માર્ગદર્શન

જે લોકો મિત્રો અથવા પરિવારને અવેતન સંભાળ આપે છે તેમના માટે માર્ગદર્શન

અપડેટ થયેલ 8 July 2021

આ માર્ગદર્શન કોના માટે છે

આ માર્ગદર્શન ઇંગ્લૅન્ડમાંની એવી કોઈ પણ વ્યક્તિ માટે છે જે એવા મિત્ર કે કુટુંબીજનની સંભાળ કોઈ વેતન વિના લેતી હોય, જેઓ કોઈ કાયમી રોગ, બિમારી, વિકલાંગતા, ગંભીર ઈજા, માનસિક રોગ અથવા વ્યસનના કારણે તેઓની સહાયતા વિના જીવી ન શકે.

તે GOV.UK પર પ્રકાશિત અન્ય માર્ગદર્શન પર આધારિત છે, જેમાં નીચેનાનો પણ સમાવેશ થાય છે:

યુવા સંભાળકર્તાઓ અને યુવા પુખ્ત સંભાળકર્તાઓ

આ માર્ગદર્શન 25 વર્ષથી ઓછી ઉંમરના એવા લોકો (યુવા સંભાળકર્તાઓ અને યુવા પુખ્ત સંભાળકર્તાઓ) માટે મદદરૂપ બની શકે છે, જેઓ કોઈને સંભાળ પૂરી પાડતા હોય. પૂરી પાડવામાં આવતી માહિતી અને સલાહ એવી રીતે તૈયાર કરાઈ છે, જે કોરોનાવાઇરસ (COVID-19) મહામારી દરમિયાન યુવા સંભાળકર્તાઓએ પોતે કરવા જેવા જરૂરી ફેરફારો સમજવામાં મદદ કરે અને ઉપલબ્ધ સહાયતા તરફની દિશા બતાવે.

જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી હોય અને જેઓને રોજિંદા જીવનમાં સહાયતાની જરૂર હોય એવી કોઈ વ્યક્તિની દરકાર લેતા હો અથવા તેમની સંભાળ લેતા હો તો તમે એક યુવા સંભાળકર્તા છો. બિમારી, વિકલાંગતા, ગંભીર ઈજા, માનસિક બિમારી અથવા વ્યસનના કારણે કોઈ મિત્રને અથવા કુટુંબીજનને (માતા કે પિતા, ભાઈ, બહેન, દાદા-દાદી અથવા અન્ય સંબંધી) સહાયતાની જરૂર હોઈ શકે છે.

જો તમારી ઉંમર 16 વર્ષથી વધુ હોય પરંતુ 25 વર્ષથી ઓછી હોય અને કોઈ અન્ય વ્યક્તિની સંભાળ લેતા હો અથવા તેમના માટે સંભાળની જવાબદારીઓ ઉઠાવતા હોય તો તમે એક યુવા પુખ્ત સંભાળકર્તા છો. તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ સાથે તમે રહેતા હોઈ શકો છો અથવા ન રહેતા હો તેમ બની શકે છે.

જો દરેક વ્યક્તિ ઠીક હોય તો તમે આ સંભાળ આપવા માટે આવશ્યક સંભાળ અને પ્રવાસ પૂરી પાડવાનું ચાલુ રાખી શકો છો. નીચે કોઈને કોરોનાવાઇરસનાં લક્ષણો હોય અથવા પૉઝિટિવ ટેસ્ટ આવ્યો હોય તો શું કરવું એના પર માહિતી જુઓ.

સામાન્ય સલાહ

કોરોનાવાઇરસના અંકુશો

સરકારે COVID-19 પ્રતિભાવ – વસંત 2021 પ્રકાશિત કરેલ છે, જેમાં ઇંગ્લૅન્ડ માટે હાલના લૉકડાઉનનો માર્ગ નિશ્ચિત કર્યો છે. સમય વીતવાની સાથે અંકુશો કેવી રીતે હળવા કરવામાં આવશે તેની તેમાં સમજૂતી આપી છે.

તમે શું કરી શકો અને ન કરી શકો તે અંગેના કેટલાક નિયમોમાં 21 જૂનના રોજ ફેરફાર થયો હતા. જોકે, ઘણા અંકુશો હજી અમલમાં છે.

ઇંગ્લૅન્ડના કેટલાક વિસ્તારોમાં COVID-19 નો એક નવો વેરિઅન્ટ ફેલાઈ રહ્યો છે. તમારા વિસ્તાર માટે વધારાની સલાહ હોઈ શકે છે. તમારેશુંકરવાનીજરૂર છેતેશોધો.

તમારું પોતાનું અને તમે જેમની સંભાળ લેતા હો તે વ્યક્તિનું રક્ષણ કરવું

જો તમે અથવા તમે જેની સંભાળ લેતા હો તે વ્યક્તિને કોઈ લક્ષણો ન હોય તો કૃપા કરીને NHS વેબસાઇટ પર સ્વચ્છતા વિશે માર્ગદર્શન જુઓ, જે કહે છે:

આટલું કરો:

  • ઓછામાં ઓછી 20 સેકંડ માટે તમારા હાથ સાબુ અને પાણી વડે અવારનવાર ધુઓ

  • જો સાબુ અને પાણી હાજર ન હોય તો હેન્ડ સૅનિટાઇઝર જૅલનો ઉપયોગ કરો

  • જ્યારે તમે ખાંસી કે છીંક ખાઓ ત્યારે તમારું મોં અને નાક ટિશ્યૂ અથવા તમારી બાંય (તમારા હાથ નહિ) વડે ઢાંકો

  • વપરાયેલા ટિશ્યૂ કચરાપેટીમાં તરત નાંખી દો અને ત્યારબાદ તમારા હાથ ધુઓ

  • તમે વારંવાર અડતા હો એવી વસ્તુઓ અને સપાટીઓને (જેમ કે બારણાનાં હૅન્ડલો, કીટલીઓ અને ફોન) સાફ કરવા માટેની તમારી નિયમિત પ્રૉડક્ટ્સનો ઉપયોગ કરીને સાફ કરો

  • જ્યારે સહિયારી જગ્યાઓમાં હો ત્યારે માસ્ક પહેરવા વિશે વિચાર કરો

  • તમે જે રૂમમાં રહેતા હો તે અને સહિયારી જગ્યાઓની બારીઓ શક્ય તેટલી વધારે ખુલ્લી રાખો

આટલું ન કરો:

  • કોઈનો ટૉવેલ વાપરવો નહિ, જેમાં હેન્ડ ટૉવેલ અને ટી ટૉવેલ્સનો પણ સમાવેશ થાય છે

તમે અથવા તમે જેની સંભાળ લેતા હો એવી વ્યક્તિ લક્ષણો દર્શાવે તો શું કરવું તે માટે કૃપા કરીને નીચેની વિશિષ્ટ પરિસ્થિતિઓ જુઓ.

રસી મુકાવવી

તમામ અવેતન સંભાળકર્તાઓ કે જેઓ જૉઇન્ટ કમિટિ ઑન વૅક્સિનેશન ઍન્ડ ઇમ્યુનાઇઝેશન (JCVI) પ્રાયોરિટી ગ્રૂપ 6 હેઠળ યોગ્યતા ધરાવતા હોય તેઓને હવે રસી માટે આમંત્રણ મળ્યું હોવું જોઈએ.

જો તમે અવેતન સંભાળકર્તા હો તો તમે લાયક છો, શરત એ કે તમે કાં તો:

  • સંભાળકર્તાના ભથ્થા માટે લાયક હો

  • તમારા GP દ્વારા પ્રાથમિક સંભાળકર્તા તરીકે તમારી ઓળખ થઈ હોય

  • તમારી સ્થાનિક કાઉન્સિલ દ્વારા સંભાળકર્તાના મૂલ્યાંકન બાદ અથવા સ્થાનિક સંભાળકર્તાની સંસ્થા દ્વારા સહાયતા મેળવતા હો

  • એકમાત્ર અથવા પ્રાથમિક સંભાળકર્તા હો જેઓ એવી વડીલ અથવા વિકલાંગ વ્યક્તિ માટે ઘનિષ્ઠ વ્યક્તિગત સંભાળ અથવા રૂબરૂ સહાયતા પૂરી પાડતા હોય, જેઓને તબીબી દૃષ્ટિએ COVID-19 થવાનું જોખમ હોય.

જો તમે લાયક હો, પરંતુ રસીનો પ્રથમ ડોઝ લીધો ન હોય અથવા અપોઇન્ટમેન્ટ થઈ ન હોય તો તમારે તમારી GP પ્રૅક્ટિસનો સંપર્ક કરવો જોઈએ. એક સંભાળકર્તા તરીકે GP સાથે રજિસ્ટર થવાના ઘણા લાભો છે. આમ કરીને સંભાળકર્તાઓને સ્થાનિક સહાયતા સેવાઓ અંગે જાણ કરી શકાય છે અને COVID-19 તથા ફ્લુની રસી સહિતની કેટલીક રસીઓ અંગે પ્રાથમિકતા આપી શકાય છે. તમે Covid-19 અંગે સંભાળકર્તાઓ માટેની રસી વિશે વધુ વાંચી શકો છો.

હાલમાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે રસીઓને પરવાનો મળ્યો નથી. જો તમને રસીકરણ વિશે કોઈ ચિંતાઓ કે પ્રશ્નો હોય તો કૃપા કરીને જુઓ:

અથવા તમારા GP કે સંબંધિત સ્વાસ્થ્ય પ્રૅક્ટિશનર અથવા સેવાનો સંપર્ક કરો.

તૈયારી કરવા માટે તમારે શું કરવું જોઈએ

અમે બધા સંભાળકર્તાઓને તેઓ જે વ્યક્તિની સંભાળ લેતા હોય તેમના માટે ઇમર્જન્સી પ્લાન તૈયાર કરવાની સલાહ આપી છીએ, જેનો એવા સંજોગોમાં ઉપયોગ થવો જોઈએ, જ્યાં સંભાળ આપવા માટે અન્ય લોકો તરફથી સહાયતાની જરૂર હોઈ શકે. સંજોગોના આધારે આ કુટુંબ અથવા મિત્રો અથવા સંભાળ પ્રદાતા તરફથી મળતી સહાયતા હોઈ શકે છે.

તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિની જરૂરિયાતો સાથે બંધબેસતો ઇમર્જન્સી પ્લાન તૈયાર કરવા માટે તમારે નીચેની બાબતો નિશ્ચિત કરવાની રહેશે:

  • તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિનું નામ અને સરનામું તથા સંપર્કની અન્ય કોઈ પણ વિગતો

  • કટોકટીની સ્થિતિમાં તમે અને તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ કોનો સંપર્ક કરવામાં આવે તેમ ઇચ્છો છો તે

  • તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ લેતા હોય એવી કોઈ પણ દવાઓની વિગતો

  • તેઓની હાલ ચાલી રહેલ કોઈ પણ જરૂરી સારવારની વિગતો

  • તેઓને સાચવવી જરૂરી હોય એવી કોઈ પણ તબીબી અપોઇન્ટમેન્ટ્સની વિગતો

તમારે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે એવા સ્વરૂપમાં હોય, જે તાત્કાલિકપણે એવા અન્ય લોકો સાથે શેયર કરી શકાય, જેઓએ તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ સાથે પ્લાન અંગે ચર્ચા કરવી જરૂરી હોય.

વધુ માહિતી કેરર્સ UK ખાતે મળી શકશે.

તમે કુટુંબીજનો અને મિત્રો તરફથી મદદ અને સહાયતાની ગોઠવણ કરી શકો છો, પરંતુ અનૌપચારિક વ્યવસ્થાઓ પડી ભાંગે એવી સ્થિતિમાં તમારા સ્થાનિક તંત્ર અથવા સ્વાસ્થ્યસંભાળ પ્રદાતાને શામેલ કરવા એ રાહત આપનારી બાબત હોઈ શકે છે. આકસ્મિકતાના આયોજનમાં મદદ કરી શકે એવી તમારી સ્થાનિક સંભાળકર્તાઓને સહાયતા કરતી સંસ્થાનો સંપર્ક કરવો પણ મદદરૂપ બની શકે છે. તમે કેરર્સ UK ખાતે સ્થાનિક સંભાળકર્તાઓની સંસ્થાઓ વિશે વધુ વિગતો મેળવી શકો છો.

તમે કેરર્સ ટ્રસ્ટ વેબસાઇટ પર પણ સ્થાનિક સેવાઓ વિશેની માહિતી શોધી શકો છો.

જો તમે યુવા સંભાળકર્તા હો તો કોઈ વ્યક્તિ બિમાર પડે તો તમે શું કરી શકો તે વિશે તમારા કુટુંબ અને તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ સાથે વાત કરો. આ પ્લાન લખી લો અને ખાતરી કરો કે દરેક વ્યક્તિને ખબર હોય કે તે ક્યાં શોધવો. તમે કોઈ એવી જગ્યાએ તેને રાખી શકો છો, જ્યાં દરેક વ્યક્તિ જોઈ શકે, જેમ કે ફ્રીજના બારણા પર.

તમને ચિલ્ડ્રન સોસાયટીની યંગ કેરર્સ સર્વિસીઝ વેબસાઇટ પરની માહિતી ઉપયોગી લાગી શકે છે.

જેઓ તબીબી રીતે અત્યંત કમજોર સ્થિતિમાં હોય એવી વ્યક્તિની સંભાળ લેવી

COVID-19 થી તબીબી દૃષ્ટિએ અત્યંત કમજોર લોકોને બચાવવા અને સુરક્ષિત રાખવા અંગેનું માર્ગદર્શન અપડેટ કરાયું છે. લોકોના આ સમૂહ માટે અદ્યતન સલાહ માટે કૃપા કરીને આ માર્ગદર્શન જુઓ, જેમાં ‘તબીબી રીતે અત્યંત કમજોર’ સમૂહોની વ્યાખ્યા તથા કામ, સામાજિક મિલાપ અને સહાયતા માટે રજિસ્ટર થવા અંગેની માહિતીનો સમાવેશ થાય છે.

તમે જેમની સંભાળ લેતા હો તે વ્યક્તિને પોતાના ઘરમાં આવતા અને જતા સામાન્ય સવેતન સંભાળકર્તા તથા ચેપના જોખમ વિશે ચિંતા હોય તો

કમજોર અને વિકલાંગ લોકો માટેની સંભાળ ચાલુ રહી શકશે. ચેપનું જોખમ ઓછું કરવા માટે સ્વચ્છતાનાં યોગ્ય સ્તરો પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે સરકારે કોરોનાવાઇરસ (COVID-19): ઘરે સંભાળની જોગવાઈ અંગે માર્ગદર્શન જારી કર્યું છે. યોગ્ય સ્વચ્છતા જાળવવા માટે સંભાળ પ્રદાતા કઈ પ્રક્રિયાઓને અનુસરે છે તે અંગે તેઓની સાથે વાત કરો.

વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણ (PPE)

અવેતન સંભાળકર્તાઓ કે જેઓ જેમની સંભાળ લેતા હોય એવી વ્યક્તિ અથવા લોકો સાથી રહેતા ન હોય તેઓની COVID-19 સંબંધિત જરૂરિયાતો માટે અમે હાલમાં મફત PPE આપી રહ્યા છીએ. આ માર્ચ 2022 ના અંત સુધી ઉપલબ્ધ રહેશે અને તે સ્થાનિક તંત્રો (LAs) તથા સ્થાનિક રિઝિલિયન્સ ફોરમો (LRFs) દ્વારા ઍક્સેસ કરી શકાશે.

જેઓ અવેતન સંભાળકર્તાઓને PPE ઉપલબ્ધ કરાવી રહ્યા છે એવા LAs અને LRFs ની વિગતો માટે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણ (PPE): પ્રદાતાઓ માટે સ્થાનિક સંપર્કો જુઓ. તમે PPE માટે વિનંતી કરવા તેઓનો સંપર્ક કરી શકો છો.

COVID-19 ના કારણે ઉદ્ભવેલ PPE ની જરૂરિયાતો આવરી લેવા માટે આ ઑફર ઉપલબ્ધ છે. તમે જે પ્રકારની સંભાળ પૂરી પાડતા હો તેના કારણે તમે સામાન્ય રીતે PPE નો ઉપયોગ કરવા ઇચ્છતા હો તો તમારે તમારા સામાન્ય માર્ગો દ્વારા તેને ઍક્સેસ કરવાનું ચાલુ રાખવું જોઈએ.

તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ અથવા લોકો સાથે તમે રહેતા હો તો તમારે PPE પહેરવાની જરૂર નથી, સિવાય કે કોઈ GP અથવા નર્સ જેવા સ્વાસ્થ્યસંભાળ વ્યાવસાયિક દ્વારા તમને તે પહેરવાની સલાહ આપવામાં આવી હોય.

જો તમે એક યુવા સંભાળકર્તા હો તો શું કરવું તે અંગે તમે ચોક્કસ ન હો તો તમારાં કુટુંબીજનો સાથે અને તમે જેમની સંભાળ લેતા હો એ વ્યક્તિ સાથે વાત કરો.

પોતે જેમની સંભાળ લેતા હોય એવી વ્યક્તિ અથવા લોકો સાથે રહેતા ન હોય એવા અવેતન સંભાળકર્તાઓ માટે ભલામણ કરાયેલ PPE

જો તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ અથવા લોકો સાથે રહેતા ન હો તો એવી ભલામણ કરવામાં આવે છે કે તમે સંભાળ પૂરી પાડતી વખતે PPE પહેરો.

એ આવશ્યક છે કે PPE સાચી રીતે પહેરવામાં આવે, જેથી ચેપના ફેલાવાનું જોખમ ઘટાડી શકાય. તમે જેમની સંભાળ લઈ રહ્યા છો એ વ્યક્તિથી ઓછામાં ઓછા 2 મીટરનું અંતર રાખીને PPE પહેરવું અને કાઢવું જોઈએ.

PPE યોગ્ય રીતે કેમ પહેરવું અને કાઢવું તે અંગેનું માર્ગદર્શન અને સાથે કયુ PPE પહેરવું અને ક્યારે પહેરવું તે અંગે આપેલ દૃષ્ટાંતરૂપ PPE માર્ગદર્શન જુઓ.

તમારે જે પ્રકારનું PPE પહેરવું જોઈએ તેનો આધાર તમે જે પ્રકારની સંભાળ પૂરી પાડશો તેના પર રહેશે. તમને જે પ્રકારનું સર્જિકલ માસ્ક (ટાઇપ II/ ટાઇપ IIR) આપવામાં આવશે તે અંગે બૉક્સ પર સ્પષ્ટ સૂચના લખી હશે.

દૃશ્ય આપવામાં આવી રહેલી સંભાળનો પ્રકાર PPE ની ભલામણ કરાઈ
1 તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ અથવા લોકોનો સ્પર્શ કરવો પડતો હોય એવી વ્યક્તિગત સંભાળ - ઍપ્રન
- હાથમોજાં
- ટાઇપ IIR સર્જિકલ માસ્ક
- આંખનું રક્ષણ, વાઇઝર અથવા તો ગોગલ્સનો ઉપયોગ કરી શકાશે (પ્રિસ્ક્રીપ્શન પરનાં ચશ્માં એ આંખના રક્ષણ માટે નથી), જો શારીરિક પ્રવાહી સાથે સંપર્કનું જોખમ હોય (દાખલા તરીકે, તમે જેમની સંભાળ લઈ રહ્યા હો તે વ્યક્તિ ઉધરસ ખાતી હોવાના કારણે)

તમે જેમની સંભાળ લઈ રહ્યા એવી વ્યક્તિ અથવા લોકોને તબીબી દૃષ્ટિએ COVID-19 થવાનું અત્યંત ભારે જોખમ હોય તો પણ આ PPE લાગુ પડે છે.
2 તમે જેમની સંભાળ લઈ રહ્યા હો તે વ્યક્તિ અથવા લોકોના ઘરમાં તમે હો, ખાંસી ખાતી કોઈ પણ વ્યક્તિથી 2 મીટરના અંતરે હો (પછી ભલે તમે તેઓની સંભાળ લઈ રહ્યા હો કે ન લઈ રહ્યા હો) અથવા જેમનો COVID-19 ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હોય અથવા ક્વોરન્ટીન થયા હોય - ઍપ્રન
- હાથમોજાં
- ટાઇપ IIR સર્જિકલ માસ્ક
- આંખનું રક્ષણ, વાઇઝર અથવા તો ગોગલ્સનો ઉપયોગ કરી શકાશે (પ્રિસ્ક્રીપ્શન પરનાં ચશ્માં એ આંખના રક્ષણ માટે નથી), જો શારીરિક પ્રવાહી સાથે સંપર્કનું જોખમ હોય (દાખલા તરીકે, તમે જેમની સંભાળ લઈ રહ્યા હો તે વ્યક્તિ ઉધરસ ખાતી હોવાના કારણે)

તમે જેમની સંભાળ લઈ રહ્યા એવી વ્યક્તિ અથવા લોકોને તબીબી દૃષ્ટિએ COVID-19 થવાનું અત્યંત ભારે જોખમ હોય તો પણ આ PPE લાગુ પડે છે.
3 તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ અથવા લોકોથી જ્યારે તમે 2 મીટરના અંતરે હો (કોઈપણ કારણસર) પરંતુ તેમને સ્પર્શ કરતા ન હો - ટાઇપ II અથવા ટાઇપ IIR સર્જિકલ માસ્ક
- કોઈ ઍપ્રન અથવા હાથમોજાંની જરૂર નથી (સિવાય કે તમે જે કામ કરતા હો તે માટે સામાન્યપણે તમે તેનો ઉપયોગ કરતા હો – દાખલા તરીકે,સફાઈ)

તમે જેમની સંભાળ લઈ રહ્યા એવી વ્યક્તિ અથવા લોકોને તબીબી દૃષ્ટિએ COVID-19 થવાનું અત્યંત ભારે જોખમ હોય તો પણ આ PPE લાગુ પડે છે.
4 તમે જે વ્યક્તિ અથવા લોકોની સંભાળ લઈ રહ્યા હો તેના ઘરમાં હો ત્યારે અને તેઓથી 2 મીટરથી વધુના અંતરે હો ત્યારે - ટાઇપ I, ટાઇપ II અથવા ટાઇપ IIR સર્જિકલ માસ્ક

તમે જેમની સંભાળ લઈ રહ્યા એવી વ્યક્તિ અથવા લોકોને તબીબી દૃષ્ટિએ COVID-19 થવાનું અત્યંત ભારે જોખમ હોય તો પણ આ PPE લાગુ પડે છે.

આ પણ જુઓ:

ડિસ્પોઝેબલ હાથમોજાં અને ઍપ્રનનો ઉપયોગ માત્ર એક જ વખત કરી શકાશે અને તમારા હાથ ધોતાં પહેલાં સંભાળના પ્રત્યેક કાર્ય બાદ તાત્કાલિકપણે આ વસ્તુઓનો નિકાલ કરવો જોઈએ (દાખલા તરીકે, તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિને સ્નાન કરાવ્યા બાદ અથવા તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિને ભોજન કરાવવામાં મદદ કર્યા બાદ).

તમે માસ્ક પહેરતા હો તે વખતે તેને પહેરવા અને કાઢવાની ક્રિયાઓ સિવાય તમારે માસ્કને અડવું જોઈએ નહિ. એક વખત તમે તમારા ચહેરા પરથી માસ્ક કાઢ્યા બાદ, તેને તમારી હડપચી સુધી નીચે લાવ્યા બાદ અથવા તો માસ્કને નુકસાન પહોંચ્યું હોય, ગંદુ, ભીનું થયું હોય અથવા ઉપયોગ માટે બરાબર રહ્યું ન હોય તો તમારે તમારા માસ્કનો નિકાલ કરવો જોઈએ. જ્યારે માસ્ક દૂર કરવામાં આવે ત્યારે તમારે સંભાળની તમારી હવે પછીની મુલાકાત માટે નવા માસ્કનો ઉપયોગ કરવાની જરૂર પડશે.

પોતાનું તથા તમે જેની સંભાળ લઈ રહ્યા છો એ વ્યક્તિનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે તમારે આ માર્ગદર્શનમાંની માહિતી તથા જેઓને તબીબી દૃષ્ટિએ કોરોનાવાઇરસ લાગવાનું અત્યંત ભારે જોખમ હોય એવા લોકોનું રક્ષણ કરવા અંગેના માર્ગદર્શનમાં આપેલી સલાહનું પાલન કરવાનું ચાલુ રાખવું જોઈએ.

જો તમે એક યુવા સંભાળકર્તા હો અને શું કરવું તે અંગે તમે ચોક્કસ ન હો તો તમારાં કુટુંબીજનો સાથે અને તમે જેમની સંભાળ લેતા હો એ વ્યક્તિ સાથે વાત કરો. તમારા માટે શું સંભવ છે અને શું યોગ્ય છે તે સમજવા માટે તમારા સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા વિશે તમે તમારા સોશિયલ વર્કર (જો તમારે કોઈ હોય તો) સાથે પણ વાત કરી શકો છો.

અમે આ સ્થિતિને સમીક્ષાને આધીન રાખી રહ્યા છીએ.

જો તમારે બહાર જવું પડે એમ હોય તો માસ્ક પહેરવા વિશે

કેટલીક જગ્યાઓ એવી છે, જ્યાં તમારે કાયદા પ્રમાણે માસ્ક પહેરવું ફરજિયાત હોય છે, સિવાય કે તમને માસ્ક પહેરવામાંથી મુક્તિ મળેલી હોય અથવા કોઈ વાજબી કારણ હોય. તમારે ફેસમાસ્ક કઈ કઈ જગ્યાઓએ ફરજિયાત પહેરવું પડે અને તેમાં મળતી છૂટ વિશેની માહિતી જુઓ.

જ્યાં સામાજિક અંતર જાળવવું મુશ્કેલ હોઈ શકે અને જ્યાં તમે સામાન્યપણે જેઓને મળતા ન હો એવા લોકો સાથે સંપર્કમાં આવતા હો એવી અન્ય બંધ જાહેર જગ્યાઓમાં પણ તમને માસ્ક પહેરવા માટે ભારપૂર્વક આગ્રહ કરવામાં આવે છે.

માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ કરવો અને માસ્ક પહેરતાં અને કાઢતાં પહેલાં તમારા હાથ ધોવા જરૂરી છે. તમે ઘરે માસ્ક બનાવી શકો છો. માસ્કમાં તમારું મોં અને નાક ઢંકાવાં જોઈએ.

તમે જેમની સંભાળ લેતા હો તે વ્યક્તિ સંભાળગૃહમાં હોય તો

જો તમને કોઈ લક્ષણો ન હોય તો રહીશો સાથે સંપર્કમાં રહેવા અને મુલાકાત લેવા દરમિયાન સંભાળગૃહ તરફથી માર્ગદર્શનનેઅનુસરવા માટે કોઈ પણ સ્થાનિક વ્યવસ્થાને સમજવા માટે તે સંભાળગૃહ સાથે તમારે સંપર્કમાં રહેવું જોઈએ.

તમે અન્ય લોકોની સંભાળ લઈ રહ્યા હો તે દરમિયાન તમારા પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો

વિશેષત: હાલના સમયે વધારાનાં તણાવ માટેની સંભાવના જોતાં તમે જેઓની સંભાળ લેતા હો એવા અન્ય લોકોને સહાયતા કરવાની સાથે સાથે તમે તમારા પોતાના સ્વાસ્થ્ય અને સુખાકારીનો પણ ખ્યાલ રાખો. તમારી સુખાકારીનો ખ્યાલ રાખવા વિશે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે જનતા માટે માર્ગદર્શનમાં સામાન્ય માહિતી છે, તેમજ મહામારી દરમિયાન માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સ્વયંની સંભાળ અને સહાયતાના સ્રોતો વિશે વધારે વિસ્તૃત માર્ગદર્શન પણ છે. તેમાં એવા લોકો માટે થોડી વિશિષ્ટ સલાહનો પણ સમાવેશ થાય છે, જેઓને ડિમેન્શિયા, ઑટિઝમ, શીખવા સંબંધિત ખોડખાંપણો અથવા માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વધારાની આવશ્યકતાઓ હોય.

ટિપ્સમાં તમારા મન તેમજ તમારા શરીરની સંભાળ લેવાનો અને તમને જરૂર જણાય તો સહાયતા મેળવવાનો પણ સમાવેશ થાય છે. રોજિંદી શારીરિક પ્રવૃત્તિ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અગત્યની છે, જેમાં તણાવનું નિયમન કરવાનો અને સકારાત્મક લાગણીઓ અને ઊંઘને પ્રોત્સાહન આપવાનો પણ સમાવેશ થાય છે. તમે ઘરે કરી શકો એવી કસરતો અંગેના નુસખાઓ પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડ (PHE) પર જોઈ શકો છો.

આ સમય દરમિયાન તમારાં મિત્રો, કુટુંબીજનો અને અન્ય નેટવર્ક મારફતે તમને મળી શકે એવી સહાયતા મેળવો. તમારી આસપાસના લોકો સાથે ફોનથી, ટપાલથી કે ઑનલાઇન સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરો. તમે કઈ રીતે સંપર્કમાં રહેવા ઇચ્છો છો તે અંગે લોકોને જાણ કરો અને તમારી દિનચર્યામાં તેને સ્થાન આપો. તમારી માનસિક સુખાકારીનો ખ્યાલ રાખવામાં પણ આ અગત્યનું છે અને તમે કેવું અનુભવી રહ્યા છો તે વિશે તેઓની સાથે વાત કરવાથી તમને મદદ મળી શકે છે.

યાદ રાખો કે તમે જેમનો વિશ્વાસ કરતા હો એવા અન્ય લોકોને તમારી ચિંતાઓ જણાવવી યોગ્ય છે અને તેમ કરવાથી તમે તેઓને પણ સહાયતા પૂરી પાડી દો તેમ બની શકે છે. અથવા તમે NHS દ્વારા ભલામણ કરાયેલ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકો છો.

જો તમને કોઈ નિષ્ણાતની સહાયતા અથવા મદદની જરૂર હોય તો, NHSનાં બધાં જ મેન્ટલ હેલ્થ ટ્રસ્ટો બધી જ ઉંમરના લોકોને સહાયતા કરવા અને બાળકો તથા યુવાઓને માનસિક સ્વાસ્થ્ય સહાયતા આપવાનું ચાલુ રાખવા માટે 24/7 ખુલ્લા ઍક્સેસ સાથે ટેલિફોન લાઇનો પૂરી પાડી રહ્યા છે. આ લાઇનો પર સંપર્ક કેવી રીતે કરવો તે અંગેની વધુ માહિતી તમારા સ્થાનિક મેન્ટલ હેલ્થ ટ્રસ્ટની વેબસાઇટ મારફતે ઉપલબ્ધ થશે.

આકસ્મિકતાના આયોજન અંગે મદદ કરી શકે તેવા તમારા સ્થાનિક સંભાળકર્તાઓની સહાયક સંસ્થાનો સંપર્ક કરવો પણ સહાયકારક બની શકે છે. તમે કેરર્સ UK ખાતે સ્થાનિક કેરર્સ સંસ્થાઓ વિશે માહિતી મેળવી શકો છો. કેરર્સ UK વિશે એક ઑનલાઇન ફોરમ પણ છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડ તરફથી મહામારી દરમિયાન બાળકો અને યુવાઓના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીમાં સહાયતા કરવા અંગે માર્ગદર્શન તૈયાર કર્યું છે અને તેઓનાં ‘ઍવરી માઇન્ડ મૅટર્સ’ તથા ‘રાઇઝ અબોવ’ પ્લેટફોર્મ્સ પર બાળકો અને યુવાઓ માટે માહિતી છે.

યુવા સંભાળકર્તાઓ અને યુવા પુખ્ત સંભાળકર્તાઓ ચિલ્ડ્રન્સ સોસાયટીની વેબસાઇટ પર પણ સહાયક માહિતી શોધી શકે છે.

યુવા સંભાળકર્તાઓ

જો તમે એક યુવા સંભાળકર્તા હો તો તમે જેમની સંભાળ લઈ રહ્યા હો એવી વ્યક્તિ તરફથી પરવાનગી લઈને દવાઓ એકત્ર કરી શકો છો. કેટલાક ફાર્માસિસ્ટોને એવું લાગે કે દવાઓ તમને આપવી યોગ્ય નથી તો તેઓ દવાઓ આપવાનો ઇન્કાર કરી શકે છે.

જો તમે સામાન્ય રીતે તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ માટે પ્રિસ્ક્રીપ્શનો એકત્ર કરતા હો અને તમે સૅલ્ફ-આઇસોલેશનમાં હો તો તમારે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવાનો વિચાર કરવો જોઈએ. જો શક્ય હોય તો સહાયતા કરવા માટે તમારે મિત્રો અને કુટુંબીજનોની મદદ માંગવાનો પ્રયત્ન કરવો જોઈએ.

સ્કૂલો અને શિક્ષણ

સ્કૂલ અથવા કૉલેજમાં હાજરી આપવી

રાષ્ટ્રીય લૉકડાઉન દરમિયાન, સ્કૂલો અને કૉલેજો કમજોર બાળકો અને ગંભીર કામદારોનાં બાળકો માટે સ્થળ પરની હાજરી માટે ખુલ્લી રહી હતી. 8 માર્ચથી બધાં બાળકો અને વિદ્યાર્થીઓ સ્કૂલ અથવા કૉલેજમાં પાછાં ફર્યાં હતાં અને આ તારીખથી ફરી એક વખત હાજરી લેવાનું ફરજિયાત થયું હતું. માતાપિતાઓ અને સંભાળકર્તાઓ, વિદ્યાર્થીઓ અને યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શૈક્ષણિક પરિવેશના અગ્રણીઓ માટે એકદમ તાજું માર્ગદર્શન વાંચો.

જો કોઈ પણ સમયે તમે સ્કૂલ અથવા કૉલેજમાં હાજરી આપવા માટે સ્વસ્થતા અનુભવતા ન હો અથવા તમારા ઘરમાં કોઈ વ્યક્તિ કે તમે જેમને સંભાળ પૂરી પાડતા હો તેમના સ્વાસ્થ્ય વિશે તમને ચિંતાઓ હોય તો તમારે આ અંગે તમારી સ્કૂલ અથવા કૉલેજ અને સોશિયલ વર્કર (જો તમારે કોઈ હોય તો) સાથે ચર્ચા કરવી જોઈએ.

તમારી સ્કૂલ અથવા કૉલેજ તરફથી સહાયતા

તમારી સ્કૂલ, કૉલેજ અથવા સોશિયલ વર્કર (જો તમારે કોઈ હોય તો) તમારા શિક્ષણ બાબતે તમને સહાયતા આપી શકે છે, દાખલા તરીકે, તમને કામ માટે વધારાનો સમય આપીને અથવા તમારો સ્થાનિક યુવા સંભાળકર્તાઓની સેવાઓ સાથે સંપર્ક કરવીને તેઓ મદદ કરી શકે છે.

તમારી સ્કૂલ અથવા કૉલેજને તમે એક યુવા સંભાળકર્તા છો એવી ખબર છે કે કેમ તે અંગે તમે ચોક્કસ ન હો તો તમે કોઈ શિક્ષક, સ્કૂલ નર્સ અથવા તમે જેમનો વિશ્વાસ કરતા હો એવી કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકો છો અને તેઓને કહી શકો છો કે મને વધારાની સહાયતાની જરૂર હોવાનું હું માનું છું.

તમે કોઈની સંભાળ લઈ રહ્યા હો તે અંગે તમારી સ્કૂલ કે કૉલેજને જાણ ન થાય તેમ તમે ઇચ્છતા હોઈ શકો. પરંતુ જો તેઓને જાણ થાય તો તેઓ સમજશે કે ક્યારેક તમારા માટે પરિસ્થિતિઓ કપરી બને છે. ઓછામાં ઓછા એક શિક્ષક અથવા સ્કૂલ નર્સને એવી જાણ કરવી કે તમે એક સંભાળકર્તા છો તે ઉમદા વિચાર છે. યુવા સંભાળકર્તા સપોર્ટ વર્કર પણ મદદ કરી શકે છે. તમે ગોપનીય રીતે તમારી સ્કૂલ નર્સ સાથે પણ વાત કરી શકો છો.

જો તમે એવું માનતા હો કે તમે સ્કૂલ કે કૉલેજમાં મફત ભોજન માટે લાયક છો, પરંતુ અગાઉ તે સેવાનો લાભ લઈ રહ્યા ન હતા તો સ્કૂલો, કૉલેજો અને સ્થાનિક તંત્રોએ સ્કૂલ અને કૉલેજમાં ભોજન અંગેની અરજીઓ સ્વીકારવાનું ચાલુ રાખ્યું છે. સ્કૂલમાં મફત ભોજનો પર લાગુ પડતા યોગ્યતાના માપદંડો (સ્કૂલો માટે) જુઓ અથવા વધુ શિક્ષણ અર્થે અનુદાન મેળવતી સંસ્થાઓમાં મફત ભોજનો (કૉલેજો માટે) જુઓ. તમે તમારી કૉલેજ અથવા વધુ શિક્ષણ માટેની સંસ્થા સાથે પણ વાત કરી શકો છો, જેઓ સલાહ આપી શકશે.

વધુ સહાયતા યુવા સંભાળકર્તાઓ માટે NHS સપોર્ટના પેજ પર મળી શકશે.

તમારી યૂનિવર્સિટી તરફથી સહાયતા

યૂનિવર્સિટીઓ સ્વતંત્ર હોય છે અને તેઓ જે સહાયતા પૂરી પાડશે તેમાં ફેરફારો હશે. તમને ઉપલબ્ધ હોઈ શકે એવી કોઈ પણ સહાયતા વિશે તમારી સંસ્થામાં તમે જેમનો વિશ્વાસ કરતા હો એવી કોઈ વ્યક્તિ સાથે તમારે વાત કરવી જોઈએ.

યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એકદમ તાજું માર્ગદર્શન વાંચો. તમે છેલ્લામાં છેલ્લી જાહેરાતો સહિત યૂનિવર્સિટીઓ વિશેની માહિતી મીડિયા બ્લૉગમાં શિક્ષણ પર પણ મેળવી શકો છો.

સહાયતા મેળવવી

તમને કેવા પ્રકારની સહાયતાની જરૂર હોઈ શકે તથા તમારા પોતાનાં સ્વાસ્થ્ય અને સુખાકારી જાળવવા માટે તમે કઈ રીતે સહાયતા મેળવી શકો તે અંગે તમે વિચાર કરો તે જરૂરી છે.

સંભાળમાંથી વિરામ પૂરો પાડવામાં સહાયતા

(COVID-19) કોરોનાવાઇરસના અંકુશો: તમે શું કરી શકો અને ન કરી શકો જુઓ.

કમજોર વ્યક્તિને (જેમાં પહેલેથી હોય એવી બિમારી ધરાવતી વ્યક્તિનો સમાવેશ થાય છે) અથવા વિકલાંગ વ્યક્તિને પૂરી પાડવામાં આવનાર રાહત સંભાળ શક્ય બનાવવા માટે એક છૂટ આપવામાં આવી છે. ‘કમજોર વ્યક્તિ’ અંગે વિનિયમો દ્વારા કરવામાં આવતી વ્યાખ્યામાં એવી કોઈ પણ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે, જે ગર્ભવતી હોય અથવા જેની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ હોય. તબીબી દૃષ્ટિએ અત્યંત કમજોર સમૂહો માટેના માર્ગદર્શનમાં તબીબી દૃષ્ટિએ અત્યંત કમજોર વ્યક્તિ કોને માનવામાં આવે છે તેની માહિતીની યાદી જુઓ.

વિનિયમોને કારણે સંભાળકર્તાઓ કુટુંબીજનો અને મિત્રો તરફથી એવી સ્થિતિમાં રાહત મેળવી શકે છે, જ્યાં કમજોર વ્યક્તિ અથવા વિકલાંગ વ્યક્તિ માટે અથવા પહેલેથી હોય એવી બિમારી ધરાવતી કોઈ વ્યક્તિ માટે રાહત સંભાળ પૂરી પાડવી વાજબીપણે જરૂરી હોય.

આનો અર્થ એ છે કે તમે કુટુંબ સાથે અથવા મિત્રો સાથે એવી ગોઠવણ કરી શકો છો કે તમે સામાન્ય રીતે જે વ્યક્તિની સંભાળ લેતા હો તેમની સંભાળ લેવા માટે બીજી કોઈ વ્યક્તિને નિયુક્ત કરવામાં આવે, જેથી તમે વિરામ લઈ શકો. તેમાં તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિના ઘરે કોઈ વ્યક્તિ આવે તેનો સમાવેશ થાય છે, જે રાત્રિ દરમિયાન હોઈ શકે છે. તેનો અર્થ એ પણ છે કે તમે જેમની સંભાળ લેતા હો તે વ્યક્તિ તમને સંભાળમાંથી વિરામ આપવા માટે પોતે કોઈ વ્યક્તિના ઘરે રહેવા જઈને સંભાળ મેળવી શકે છે, જે વ્યવસ્થા પણ રાત્રિ દરમિયાનની હોઈ શકે છે. આ બધાં ઉદાહરણોમાં જે વ્યક્તિની સંભાળ લેવામાં આવી રહી હોય તેમના માટે રાહત સંભાળ પૂરી પાડવાના હેતુ માટે વ્યવસ્થા વાજબીપણે આવશ્યક હોવી જ જોઈએ.

રાહત સંભાળ માટે વ્યવસ્થાઓ કરવા દરમિયાન કોઈ પણ એક ઘરમાં પુખ્ત વ્યક્તિઓની સંખ્યાનું મહત્ત્વ નથી, શરત એ કે વ્યવસ્થાઓ વાજબીપણે આવશ્યક હોય અને તે જેની સંભાળ લેવામાં આવી રહી હોય તે વ્યક્તિને પૂરી પાડવામાં આવતી રાહત સંભાળ હોવી જોઈએ. તમારા માટે, તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ માટે અને વૈકલ્પિક સંભાળ પૂરી પાડતી વ્યક્તિ માટે જે યોગ્ય હોય તેનો આધાર તમારા પોતાના સંજોગો પર હશે.

સપોર્ટ બબલ્સ

સપોર્ટ બબલ્સ વિસ્તારવામાં આવ્યા છે.

તમે અથવા તમારાં કુટુંબીજનો અન્ય ઘર (કોઈ પણ કદના) સાથે સપોર્ટ બબલ બનાવી શકશો. નીચે સપોર્ટ બબલ કેવી રીતે બનાવી શકાય તે અંગેની અલગ-અલગ રીતો આપેલી છે:

  • તમે તમારી જાતે રહો – સંભાળકર્તાઓ તમને સહાયતા આપવા માટે આવે તો પણ

  • તમારા ઘરમાં એવા કોઈ બાળકનો સમાવેશ થતો હોય, જેની ઉંમર એક વર્ષથી ઓછી હોય અથવા 2 ડિસેમ્બર 2020 ના રોજ તે એક વર્ષથી ઓછી ઉંમરનું હોય

  • તમારા ઘરમાં એવા કોઈ બાળકનો સમાવેશ થતો હોય, જે વિકલાંગ હોય, જેને સતત સંભાળની જરૂર પડતી હોય અને જેની ઉંમર 5 વર્ષથી ઓછી હોય અથવા 2 ડિસેમ્બર 2020 ના રોજ તે આ ઉંમરથી નાનું હોય

  • તમે 18 વર્ષથી ઓછી ઉંમરનું એક બાળક હો, જે એકલું રહેતું હોય અથવા અન્ય બાળકો સાથે તથા કોઈ પુખ્ત વ્યક્તિઓ વિના રહેતું હોય

  • તમે એક અવિવાહિત પુખ્ત વ્યક્તિ હો, જેને એકથી વધુ બાળકો હોય, જેઓની ઉંમર 18 વર્ષથી ઓછી હોય અથવા 12 જૂન 2020 ના રોજ તેઓ આ ઉંમરથી નાનાં હોય.

  • તમે (ભલે 18 વર્ષથી ઓછી ઉંમરના હો કે ન હો) તમારા ઘરમાં રહેતી એકમાત્ર વ્યક્તિ હો જેને વિકલાંગતાના પરિણામે સતત સંભાળની જરૂર ન હોય

  • તમે (ભલે 18 વર્ષથી ઓછી ઉંમરના હો કે ન હો) એક કે વધુ વ્યક્તિ સાથે રહેતા હો, જેઓને વિકલાંગતાના પરિણામે સતત સંભાળની જરૂર હોય, તમે વિકલાંગ ન હો, પરંતુ તમે એવા અન્ય લોકો સાથે પણ રહેતા હો, જેઓ વિકલાંગ ન હોય, જે પૈકી માત્ર એક જ વ્યક્તિ 18 વર્ષથી વધુ ઉંમરની હોય

દાખલા તરીકે, એક પુખ્વ વ્યક્તિ કે જે પોતાના જીવનસાથી માટે સતત સંભાળ પૂરી પાડતી હોય, જેમને વિકલાંગતાના પરિણામે આ સંભાળની જરૂર હોય તેઓ અન્ય મકાનમાં સાથે રહેતાં પોતાનાં માતાપિતા સાથે એક સપોર્ટ બબલ બનાવી શકે છે.

વધુ એક ઉદાહરણ એવા યુવા સંભાળકર્તાનું છે, જેમની ઉંમર 18 વર્ષથી ઓછી હોય, જેઓ પોતાનાં માતાપિતા સાથે રહેતાં હોય, જે બંનેને વિકલાંગતાના પરિણામે સતત સંભાળની જરૂર હોય. વૈકલ્પિક રીતે, આ જ દૃશ્ય, પરંતુ યુવા સંભાળકર્તા અન્ય ભાઈ-બહેનો સાથે પણ રહેતા હોય, જેમાંથી માત્ર એકની ઉંમર જ 18 વર્ષ હોય. બંને પ્રકારનાં ઘરો પોતાનાં દાદા-દાદી સાથે એક સપોર્ટ બબલ બનાવી શકે છે, જેઓ અન્ય મકાનમાં સાથે રહેતાં હોય.

અન્ય સપોર્ટ બબલનો ભાગ હોય એવા ઘર સાથે મળીને તમારે સપોર્ટ બબલ ન બનાવવો જોઈએ. સપોર્ટ બબલને લાગુ પડતા અન્ય નિયમો વિશે વધુ માહિતી માટે, જેમાં તેમનો ક્યારે અંત આવે છે તે પણ શામેલ છે, અને બબલ્સ કેવી રીતે બદલવા તે માટે સપોર્ટ બબલ બનાવવા અને તેનો ઉપયોગ કરવા વિશે માર્ગદર્શન જુઓ.

સ્વયંસેવકો તરફથી સહાયતા

તમે NHS સ્વયંસેવક પ્રતિભાવકો તરફથી પણ મદદ મેળવી શકો છો, જેઓ દવાઓ એકત્ર કરવી કે ખરીદી જેવાં કામોમાં મદદ કરી શકે છે. NHS સ્વયંસેવક પ્રતિભાવકો કેવી સહાયતા કરી શકે તે વિશે અહીં માહિતી છે.

તમે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યાની વચ્ચે 0808 196 3646 પર પણ કૉલ કરી શકો છો.

સંભાળકર્તાનું મૂલ્યાંકન

જો તમને સંભાળ વિશે સહાયતાની જરૂર હોય તો તમે સંભાળકર્તાના મૂલ્યાંકન માટે તમારી સ્થાનિક કાઉન્સિલનો સંપર્ક કરી શકો છો. તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ સાથે તમે રહેતા હો તે અનિવાર્ય નથી અને તમે જે પ્રકાર કે પ્રમાણની સંભાળ આપતા હો તે અથવા તમારાં આર્થિક સંસાધનોને કારણે મૂલ્યાંકન માટેના તમારા અધિકાર પર અસર પડતી નથી. સંભાળકર્તાનું મૂલ્યાંકન નિ:શુલ્ક છે. તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિની જરૂરિયાતોના મૂલ્યાંકનથી તે અલગ છે, પરંતુ તમે એક જ સમયે તે બંને મૂલ્યાંકનો કરાવવા માટે વિનંતી કરી શકો છો.

તમે કેવા પ્રમાણ અથવા પ્રકારની સંભાળ પૂરી પાડો છો, તમારાં આર્થિક સંસાધનો અથવા સહાયતા માટેની જરૂરિયાતના તમારા સ્તર સાથે કોઈ સંબંધ વિના તમે મૂલ્યાંકન માટે અધિકારી બનશો. તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ સાથે તમે રહેતા હો તે જરૂરી નથી અથવા મૂલ્યાંકન કરવા માટે ફુલ-ટાઇમ સંભાળ લેતા હો તે જરૂરી નથી.

જો તમને આવા મૂલ્યાંકનનો પ્રસ્તાવ ન આવ્યો હોય તો તમે તમારા સ્થાનિક તંત્રનો સંપર્ક કરી શકો છો. તમારી સ્થાનિક સોશિયલ સર્વિસીઝ ટીમને શોધો.

યુવા સંભાળકર્તાઓ પણ યુવા સંભાળકર્તાની જરૂરિયાતોના મૂલ્યાંકન માટે વિનંતી કરી શકે છે. તમે તમારા સપોર્ટ વર્કર સાથે વાત કરી શકો છો. જો તમારે કોઈ સપોર્ટ વર્કર ન હોય તો તમે સપોર્ટ વર્કર મેળવવા બાબતે તમારા સોશિયલ વર્કર અથવા સ્થાનિક તંત્ર સાથે વાત કરી શકો છો.

સંભાળકર્તાનું ભથ્થું

જો તમે, તમે જેમની સંભાળ લેતા હો તે વ્યક્તિ અને તમે જે પ્રકારની સંભાળ પૂરી પાડતા હો તેનાથી અમુક માપદંડો પૂરા થતા હોય તો તમે સંભાળકર્તાના ભથ્થા માટે લાયક હોઈ શકો છો. કોઈની સંભાળ લેતી વખતે તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા 35 કલાક વિતાવવા જરૂરી છે. તેમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે:

  • ધોવા અને રાંધવામાં મદદ કરવી

  • તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિને ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ પર લઈ જવી

  • ઘરનાં કામોમાં મદદ કરવી, જેમ કે બિલો ચૂકવવાં અને ખરીદી કરવી

તમે અથવા તમે જેની સંભાળ લેતા હો તે વ્યક્તિને કોરોનાવાઇરસનો ચેપ લાગ્યો હોય અને તમે દૂરથી સંભાળ લેતા હો તો તમે હજીયે સંભાળકર્તાનું ભથ્થું મેળવવાનો દાવો કરી શકો છો. તેમાં ફોન પર કે ઑનલાઇન ભાવનાત્મક સહાયતા આપવાનો સમાવેશ થાય છે.

યોગ્યતા વિશે તથા સંભાળકર્તાના ભથ્થા માટે કઈ રીતે અરજી કરવી તે વિશેની માહિતી જુઓ.

જો તમારી ઉંમર 16 વર્ષથી વધુ હોય અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 35 કલાક માટે સંભાળ લેતા હો તો પણ તમે સંભાળકર્તાના ભથ્થા માટે લાયક સાબિત થઈ શકો છો. તમે આર્થિક સહાયતા વિશે ચિલ્ડ્રન્સ સોસાયટી વેબસાઇટ પર વધુ માહિતી મેળવી શકો છો.

સહાયતાના વધુ સ્રોતો

માહિતી અથવા સહાયતાના વધુ સ્રોતો માટે તમે તમારા સ્થાનિક તંત્રની વેબસાઇટ પર માહિતી મેળવી શકો છો અથવા તમે તમારા સ્થાનિક તંત્રનો સંપર્ક કરી શકો છો.

તમે કેરર્સ UK અને કેરર્સ ટ્રસ્ટ ની વેબસાઇટો પર પણ જોઈ શકો છો.

તમે યુવા સંભાળકર્તા હો તો મદદ અને સહાયતા

તમારી સ્કૂલ, કૉલેજ અથવા સોશિયલ વર્કર (જો તમારે કોઈ હોય તો) તમારા શિક્ષણ બાબતે તમને સહાયતા આપી શકે છે, દાખલા તરીકે, તમને કામ માટે વધારાનો સમય આપીને અથવા તમારો સ્થાનિક યુવા સંભાળકર્તાઓની સેવાઓ સાથે સંપર્ક કરવીને તેઓ મદદ કરી શકે છે.

તમારી સ્કૂલ અથવા કૉલેજને તમે એક યુવા સંભાળકર્તા છો એવી ખબર છે કે કેમ તે અંગે તમે ચોક્કસ ન હો તો તમે કોઈ શિક્ષક, સ્કૂલ નર્સ અથવા તમે જેમનો વિશ્વાસ કરતા હો એવી કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકો છો અને તેઓને કહી શકો છો કે મને વધારાની સહાયતાની જરૂર હોવાનું હું માનું છું.

જેઓ સ્કૂલ નર્સો તરફથી સંભાળ મેળવતા હોય એવા બધા લોકો માટે સ્કૂલ નર્સો ગોપનીયતાની ફરજથી બંધાયેલ છે. આનો અર્થ એ છે કે સ્વાસ્થ્યની ગોપનીય માહિતી તમારાં માતાપિતા અને શિક્ષકો સહિત અન્ય લોકોને આપવા માટે તેઓ તમારી સંમતિ માંગશે, સિવાય કે તેઓ એવું માનતા હોય કે તમારી વ્યક્તિગત સુરક્ષા જોખમમાં છે. જો તેઓ માનતા હોય કે આવી સ્થિતિ હોઈ શકે છે તો તેઓ કોઈ કાર્યવાહી કરતાં પહેલાં પ્રથમ તમારી સાથે આ અંગે ચર્ચા કરશે.

જો તમે અથવા તમારા કુટુંબમાં કોઈ વ્યક્તિના પોતાના સોશિયલ વર્કર હોય તો તમે એવું કહેવા માટે તેઓનો સંપર્ક કરી શકો છો કે હું માનું છું કે જો કોઈ વ્યક્તિની તબિયત ખરાબ થાય તો મને વધુ મદદની જરૂર પડી શકે છે.

તમે મિત્રો, કુટુંબીજનોને કહી શકો છો અથવા NHS સ્વયંસેવક પ્રતિભાવકો જેવી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને જોઈ શકો છો કે તેઓ તમને ખરીદી કરવા લઈ જવા અથવા અન્ય પ્રકારે તમારી મદદ કરી શકે તેમ છે કે કેમ.

તમને મદદ કરી શકે એવી કોઈ વ્યક્તિ વિશે તમે વિચારી શકતા ન હો અથવા અન્ય કોઈને ખબર ન હોય કે તમે એક યુવા સંભાળકર્તા છો તો તમે સ્થાનિક યુવા સંભાળકર્તાઓની સેવાનો સંપર્ક કરી શકો છો અને તેઓને કહી શકો છો કે હું એક યુવા સંભાળકર્તા છું એવું હું માનું છું અને મને થોડી મદદ જોઈએ છે. તમે સ્થાનિક સપોર્ટ ગ્રૂપ શોધી શકો છો અથવા ચિલ્ડ્રન સોસાયટીની યુવા સંભાળકર્તાઓની સેવાઓનો સંપર્ક કરી શકો છો.

હેલ્પલાઇનો

જો તમે ગોપનીય રીતે કોઈની સાથે વાત કરવા માંગતા હો તો તમે હેલ્પલાઇનો પર કૉલ કરી શકો છો અથવા નીચે પૈકીની કોઈ એક વેબસાઇટ પર જઈ શકો છો:

ચાઇલ્ડલાઇન નાની ઉંમરની કોઈ પણ વ્યક્તિ માટે ટેલિફોન પર ગોપનીય માર્ગદર્શન સેવા પૂરી પાડે છે. તે આશ્વાસન આપે છે, સલાહ આપે છે અને રક્ષણ કરે છે. તમે:

વેબસાઇટો

વધુ સહાયતા યુવા સંભાળકર્તાઓ માટે NHS સપોર્ટના પેજ પર મળી શકશે.

ધ ચિલ્ડ્રન્સ સોસાયટી યુવા લોકો અને પ્રોફેશનલો માટે કોરોનાવાઇરસ વિશેની માહિતી ધરાવે છે, જેમાં સાધનો, સંસાધનો તેમજ પ્રવૃત્તિઓની લિંકોનો સમાવેશ થાય છે તેમજ યુવા સંભાળકર્તાઓ માટે સુખાકારીની ટિપ્સ પણ છે.

કેરર્સ ટ્રસ્ટ પાસે કોરોનાવાઇરસ વિશે યુવા લોકો માટેની માહિતી છે

જો તમે અથવા તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિને લક્ષણો હોય, પૉઝિટિવ ટેસ્ટ આવે અથવા પૉઝિટિવ ટેસ્ટ સાથેની કોઈ વ્યક્તિના નજીકના સંપર્કમાં હો તો

જો તમને કોરોનાવાઇરસનાં લક્ષણો હોય તો

આઇસોલેશનના સમયગાળાઓ વિશે તથા જો તમને કોરોનાવાઇરસનાં લક્ષણો હોય તો, પૉઝિટિવ ટેસ્ટ આવ્યો હોય અથવા જેમને પૉઝિટિવ ટેસ્ટ આવ્યો હોય એવી કોઈ વ્યક્તિના નજીકના સંપર્કમાં હો તો તમારે શું કરવું અને શું ન કરવું તે વિશે વધુ માહિતી માટે ઘરે રહો: કોરોનાવાઇરસના (COVID-19) સંભવિત અથવા પુષ્ટિ થયેલ ચેપ સાથેના ઘરો માટે માર્ગદર્શન જુઓ.

COVID-19 નાં લક્ષણો અથવા પૉઝિટિવ ટેસ્ટના પરિણામ સાથેની કોઈ પણ વ્યક્તિએ ઘરે રહેવું જોઈએ અને તાત્કાલિકપણે સૅલ્ફ-આઇસોલેટ થવું જોઈએ. આનું કારણ એ છે કે તમારાથી અન્ય લોકોને ચેપ લાગી શકે છે, પછી ભલે તમને કોઈ લક્ષણો ન હોય.

NHS ટેસ્ટ ઍન્ડ ટ્રેસ દ્વારા અધિસૂચના મળ્યા બાદ તમે સૅલ્ફ-આઇસોલેટ ન થાઓ તો તમને દંડ થઈ શકે છે. જો તમારે ઘરે રહેવું અને સૅલ્ફ-આઇસોલેટ થવું જરૂરી હોય તો NHS ટેસ્ટ ઍન્ડ ટ્રેસ સપોર્ટ પેમેન્ટ સ્કીમ દ્વારા તમે £500 ની એક વખતની ચૂકવણી માટે અધિકારી બની શકો છો.

સંભાળ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી

નીચેના સંજોગોમાં સંભાળની જોગવાઈઓ માટે તમારે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવાની માંગણી કરવી જોઈએ:

  • તમે અને તમે જેની સંભાળ લેતા હો એવી વ્યક્તિ સાથે રહેતા ન હો અને તમારામાંથી કોઈ એકને લક્ષણો જણાય અથવા પૉઝિટિવ ટેસ્ટની સૂચના મળે

  • તમે અને તમે જેની સંભાળ લેતા હો એવી વ્યક્તિ સાથે રહેતા ન હો અને તમારામાંથી કોઈ એકને જાણ કરવામાં આવે કે તમે એવી કોઈ વ્યક્તિના નજીકના સંપર્કમાં આવ્યા છો જેમનો પૉઝિટિવ ટેસ્ટ આવ્યો હતો

  • તમે અને તમે જેની સંભાળ લેતા હો એવી વ્યક્તિ સાથે રહેતા ન હો અને તમારા ઘરમાં કોઈ વ્યક્તિને લક્ષણો જણાય અથવા પૉઝિટિવ ટેસ્ટ આવે

  • સંભાળના સંબંધમાં કોઈ એક વ્યક્તિ (સંભાળકર્તા અથવા તો જેની સંભાળ લેવાતી હોય તે વ્યક્તિ) નૈદાનિક દૃષ્ટિએ અત્યંત કમજોર હોય અથવા શિલ્ડિંગમાં હોય અને અન્ય વ્યક્તિને લક્ષણો જણાય અથવા પૉઝિટિવ ટેસ્ટ આવ્યો હોય

વૈકલ્પિક સંભાળ ગોઠવવા માટે તમે તમારા સ્થાનિક તંત્ર અથવા તમારા સ્વાસ્થ્યસંભાળ પ્રદાતાનો સંપર્ક કરી શકો છો. આ કામ કેવી રીતે કરવું તેની તમને ખબર ન હોય તો તમે NHS 111 નો સંપર્ક કરી શકો છો. તમારા સ્થાનિક સંભાળકર્તાઓની સહાયતા સંસ્થાઓનો સંપર્ક કરવો પણ મદદરૂપ બની શકે છે. તમે કેરર્સ UK ખાતે સ્થાનિક સંભાળકર્તા સંસ્થાઓ વિશે વધુ માહિતી મેળવી શકો છો. તમારાં કુટુંબીજનો પણ કેરર્સ ટ્રસ્ટની વેબસાઇટ પર સ્થાનિક સેવાઓ વિશે માહિતી શોધી શકે છે.

તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ સાથે તમે રહેતા હો અને સંભાળ લઈ ન શકો એટલી ખરાબ તબિયત હોય તો તમારા સ્થાનિક તંત્ર અથવા સ્વાસ્થ્યસંભાળ પ્રદાતાનો સંપર્ક કરો.

સૅલ્ફ-આઇસોલેટ થવા દરમિયાન પ્રિસ્ક્રીપ્શન્સ એકત્ર કરવાં

જો તમે સામાન્ય રીતે તમે જેમની સંભાળ લેતા હો એવી વ્યક્તિ માટે પ્રિસ્ક્રીપ્શનો એકત્ર કરતા હો અને તમે સૅલ્ફ-આઇસોલેશનમાં હો તો તમારે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવાનો વિચાર કરવો જોઈએ. જો શક્ય હોય તો સહાયતા કરવા માટે તમારે મિત્રો અને કુટુંબીજનોની મદદ માંગવાનો પ્રયત્ન કરવો જોઈએ.

ઘણી દવાની દુકાનો હોમ ડિલિવરી સેવા પૂરી પાડે છે. આવી સેવા ઉપલબ્ધ છે કે કેમ તે જોવા માટે અથવા પ્રિસ્ક્રીપ્શન ઍક્સેસ કરવામાં તમને મદદ કરવા માટે સ્થાનિક ધોરણે કોઈ અન્ય સ્કીમ ચાલી રહી છે કે કેમ તે જાણવા માટે તેઓને ફોન કરો.

તમેNHS સ્વયંસેવક પ્રતિભાવકો તરફથી પણ મદદ મેળવી શકો છો, જેઓ દવાઓ એકત્ર કરવી કે ખરીદી જેવાં કામોમાં મદદ કરી શકે છે. સવારે 8 થી રાત્રે 8 વાગ્યની વચ્ચે 0808 196 3646 પર કૉલ કરો. NHS સ્વયંસેવક પ્રતિભાવકો કેવી સહાયતા કરી શકે તે વિશે અહીં માહિતી છે.

દવાની ડિલિવરીની સેવાઓ હાલના સમયમાં દબાણ હેઠળ હશે, તેથી તમને વારંવાર જરૂર પડે એવાં પ્રિસ્ક્રીપ્શન તમે યોગ્ય સમયે એક જ વારમાં મંગાવી લો તે જરૂરી છે, જેથી દવાઓ મોકલવામાં થતો વિલંબ ટાળી શકાય. વારંવાર જરૂર પડે એવાં પ્રિસ્ક્રીપ્શન અને ડિલિવરીની સેવાઓ વિશેની માહિતી તમારી GP પ્રૅક્ટિસની વેબસાઇટ દ્વારા ઉપલબ્ધ થઈ શકે છે.

જો વૈકલ્પિક એકત્રીકરણની વ્યવસ્થા કરવી શક્ય ન હોય તો સૅલ્ફ-આઇસોલેટ થનારી કોઈ વ્યક્તિ માટે જરૂર જણાય ત્યારે એ જ ઘરમાં કોઈ વ્યક્તિ માટે તબીબી પુરવઠો મેળવવા માટે ઘર છોડીને બહાર જવું શક્ય છે.

તમે જેમની સંભાળ લઈ રહ્યા હો તે વ્યક્તિ તમારી સાથે રહેતી ન હોય અને સૅલ્ફ-આઇસોલેટ થયેલી હોય તો તમે સૅલ્ફ-આઇસોલેટ થઈ રહ્યા નથી એ શરતે તેઓના ઘરમાં પ્રિસ્ક્રીપ્શન પરની દવાઓનો પુરવઠો મૂકી શકો છો, જો તેમ કરવું વાજબીપણે જરૂરી હોય તો. લક્ષણો અથવા પૉઝિટિવ ટેસ્ટ ધરાવતી વ્યક્તિથી તમારે શક્ય તેટલી હદે અંતર જાળવવું જોઈએ અને માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ.