Skip to main content
માર્ગદર્શન

કરોડરજ્જુની ખામી-સ્પાઇના બાયફિડા: માતાપિતા માટે માહિતી (Gujarati)

અપડેટ થયેલ 9 July 2026

Applies to England

અવલોકન

જો તમારા 20-અઠવાડિયાના સ્કેનને (કયારેક મધ્ય-ગર્ભાવસ્થાના સ્કેન તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે) અનુસરીને તમારા બાળકને કરોડરજ્જુની ખામી હોવાની શંકા હોય તો આ માહિતી ઉપયોગી રહેશે.

તે તમને અને તમારા આરોગ્ય વ્યાવસાયિકો ને તમારી અને તમારા બાળકની સંભાળના આગળના તબક્કાઓ વિષે ચર્ચા કરવામાં મદદ કરે છે. આ માહિતી તમારા આરોગ્ય વ્યાવસાયિકો સાથેની તમારી ચર્ચાઓમાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ તે તેમનું સ્થાન લઈ શકે નહીં.

તમારા બાળકના વિકાસમાં કોઈ સમસ્યા હોઈ શકે છે તે જાણવું ચિંતાજનક હોઈ શકે છે. તમે એકલા નથી એ યાદ રાખવું મહત્ત્વનું છે.

અમે તમારો નિષ્ણાત ટીમને ઉલ્લેખ કરીશું જેઓ આના માટે તેમનું શ્રેષ્ઠ કરશે:

  • તમારા બાળકની સ્થિતિ અને સારવાર વિષે વધારે સચોટ માહિતી પૂરી પાડશે
  • તમારા પ્રશ્નોના જવાબ આપશે
  • તમને આગળનાં પગલાંઓનું આયોજન કરવામાં મદદ કરશે

કરોડરજ્જુની ખામી વિષે

કરોડરજ્જુની ખામી એ એક એવી સ્થિતિ છે જે કરોડરજ્જુ અને કરોડરજ્જુની અંદરની નસોને અસર કરે છે.

ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કામાં, વિકસી રહેલા બાળકનું ચેતાતંત્ર એક એકલ રચના તરીકે શરૂ થાય છે જેને ન્યુરલ પ્લેટ કહેવામાં આવે છે. ગર્ભાવસ્થાના 28મા દિવસ સુધીમાં, ન્યુરલ પ્લેટ વળી જવી જોઈએ અને ન્યુરલ ટ્યુબ બનાવવા માટે બંધ થઈ જવી જોઈએ.

કરોડરજ્જુની ખામી એ ન્યુરલ ટ્યુબની ખામી(NTD) છે, જેમાં બાળકની ન્યુરલ ટ્યુબનો અમુક ભાગ યોગ્ય રીતે વિકસિત થતો નથી અથવા બંધ થતો નથી. આને કારણે બાળકની કરોડરજ્જુની નસો (મગજથી શરૂ કરીને બાળકની પીઠ સુધી જતો ચેતાતંતુઓનો મોટો સમૂહ) અથવા કરોડરજ્જુના મણકા (કરોડરજ્જુના હાડકાં) જે રીતે વિકસવા જોઈએ તે રીતે વિકસતા નથી.

કરોડરજ્જુની ખામીના 2 પ્રકાર છે:

  • બંધ કરોડરજ્જુની ખામી (સ્પાઇના બાયફિડા ઓકલ્ટા)
  • ખુલ્લી કરોડરજ્જુની ખામી (સ્પાઇના બાયફિડા એપર્ટા)

ડાબેથી જમણે: સંપૂર્ણ રીતે વિકસિત કરોડરજ્જુ, બંધ કરોડરજ્જુની ખામી સાથેની કરોડરજ્જુ, અને બહાર નીકળેલી કોથળી સાથેની ઓપન કરોડરજ્જુની ખામીવાળી કરોડરજ્જુ (ફોટો: UZ લ્યુવેન, લ્યુવેન, બેલ્જિયમ દ્વારા)

બંધ કરોડરજ્જુની ખામી

બંધ કરોડરજ્જુની ખામી, જે ‘સ્પાઇના બિફિડા ઓકલ્ટા’ તરીકે પણ ઓળખાય છે, તે ખુલ્લી કરોડરજ્જુની ખામી કરતા ઓછી ગંભીર હોય છે.  કરોડરજ્જુના હાડકાં યોગ્ય રીતે રચાયેલા નથી, પરંતુ કરોડરજ્જુ ત્વચાથી ઢંકાયેલી છે.

બંધ કરોડરજ્જુની ખામીના લક્ષણોમાં, બાળકની પીઠ પર જ્યાં આ ખામી હોય ત્યાં ઊંડા ખાડા અથવા ચરબીની ગાંઠો જોવા મળી શકે છે, જે ચેતાતંતુઓની કાર્યક્ષમતા પર અસર કરી શકે છે. જોકે, બંધ કરોડરજ્જુની ખામી ધરાવતી ઘણી વ્યક્તિઓમાં અન્ય કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી.

ખુલ્લી કરોડરજ્જુની ખામી

જે વ્યક્તિઓને ખુલ્લી કરોડરજ્જુની ખામી હોય છે, તેમના શરીરમાં કરોડરજ્જુના અમુક ભાગમાં હાડકાં, નસો અને જ્ઞાનતંતુઓની રચના યોગ્ય રીતે થયેલી હોતી નથી. આના પરિણામે કરોડરજ્જુના એ ખુલ્લા ભાગમાંથી એક કોથળી બહાર આવે છે, જેના કારણે કરોડરજ્જુની પેશીઓ ખુલ્લી રહી જાય છે.

મગજ અને કરોડરજ્જુ એક ખાસ પ્રકારના પ્રવાહીથી આવરિત હોય છે (સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ) જે બાળકોને ખુલ્લી કરોડરજ્જુની ખામી હોય છે, તેમનામાં આ પ્રવાહી કરોડરજ્જુના ભાગે આવેલી કોથળીમાંથી બહાર નીકળી જાય છે. આ કોથળીમાં કરોડરજ્જુના અમુક ભાગ અને નસો પણ હોઈ શકે છે, જેને નુકસાન થવાનું જોખમ રહેલું હોય છે. આ ખામી કરોડરજ્જુના કોઈપણ ભાગમાં થઈ શકે છે, જોકે તે પીઠના નીચેના ભાગમાં સૌથી વધુ જોવા મળે છે.

કારણો

કરોડરજ્જુની ખામી શા માટે થાય છે, તેના ચોક્કસ કારણો હજી સુધી પૂરેપૂરા જાણી શકાયા નથી. મોટાભાગના કિસ્સાઓમાં, કરોડરજ્જુની ખામી બાળકના ગર્ભાવસ્થાના શરૂઆતના વિકાસ દરમિયાન અચાનક થઈ જાય છે. જો કે, ભાગ્યે જ કિસ્સાઓમાં, તે પરિવારોમાં ચાલતી આનુવંશિક સ્થિતિનો ભાગ હોઈ શકે. તમે નિષ્ણાત ટીમ સાથે તમારા વ્યક્તિગત સંજોગો વિશે ચર્ચા કરી શકશો.

જો નિષ્ણાત ટીમને લાગે કે સ્પાઇના બાયફિડા વધુ જટિલ સ્થિતિનો ભાગ હોઈ શકે, તો તમને એમ્નિઓસેન્ટેસિસ ટેસ્ટ નામનું પરીક્ષણ ઓફર કરવામાં આવી શકે છે..

કરોડરજ્જુની ખામી દરેક 10,000 (0.06%) માંથી લગભગ 6 બાળકોમાં થાય છે.

આપણે કરોડરજ્જુની ખામીને કેવી રીતે શોધી શકીએ

અમે ગર્ભાવસ્થાના 20-અઠવાડિયાના સ્કેન (ગર્ભાવસ્થાના 18+0 થી 20+6 અઠવાડિયાની વચ્ચે) દરમિયાન કરોડરજ્જુની ખામી માટે તપાસ કરીએ છીએ.

જન્મ પહેલાં બંધ કરોડરજ્જુની ખામી શોધી કાઢવી મુશ્કેલ હોય છે.

ત્યારબાદના પરીક્ષણો અને એપોઈન્ટમેન્ટો

 સ્કેનનું પરિણામ સૂચવે છે કે તમારા બાળકને કરોડરજ્જુની ખામી છે, તેથી અમે તમને નિષ્ણાતોની એક ટીમ પાસે મોકલીશું જે સગર્ભા માતાઓ અને તેમના બાળકોની પ્રસૂતિ પહેલાની સંભાળમાં નિષ્ણાત છે. તેઓ કદાચ એ જ હોસ્પિટલમાં હોઈ શકે છે જ્યાં તમે હાલમાં પ્રસૂતિ પૂર્વેની સંભાળ મેળવી રહ્યા છો અથવા બીજી કોઈ હોસ્પિટલમાં હોઈ શકે છે. તમારા બાળકમાં આ ખામી છે કે નહીં તેની ચોક્કસ ખાતરી કરવા માટે તમારે બીજા સ્કેનની જરૂર પડશે. આ નિષ્ણાતની ટીમ તમારા બાળકમાં કરોડરજ્જુની ખામી છે કે નહીં અને તેનો અર્થ શું હોઈ શકે તેની પુષ્ટિ કરશે.

નિષ્ણાતની ટીમને મળતા પહેલાં, તમે પ્રશ્નો પૂછવા માંગતા હોવ તેની યાદી બનાવી રાખવી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

સારવાર

તમારી અને તમારા બાળકની સંભાળ રાખતી નિષ્ણાતોની આ ટીમમાં એવા ડોક્ટરોનો પણ સમાવેશ થશે, જે જન્મ પછી તમારા બાળકની સારવારમાં મદદ કરશે. તેઓ તમારી સાથે આ ખામીની સ્થિતિ, તેમાં આવી શકતી સંભવિત જટિલતાઓ, સારવાર અને તમે તમારા બાળકના જન્મ માટે કઈ રીતે તૈયારી કરી શકો છો, તે વિશે વિગતવાર વાત કરશે. આ ટીમના સભ્યો તમારી સાથે આ ખામીની સ્થિતિ અને તમે બાળકના જન્મ માટે કઈ રીતે તૈયારી કરી શકો છો, તે વિશે વિગતવાર વાત કરશે. તેઓ તમારી સાથે એ વિશે પણ વાત કરશે કે જન્મ પછી તેઓ બાળકની સારવાર કઈ રીતે કરશે. સારવારના શક્ય વિકલ્પોનો આધાર એ બાબત પર રહેશે કે આ ખામી કેટલી ગંભીર છે અને તે કરોડરજ્જુના કયા ભાગમાં કરોડરજ્જુની ખામી છે.

નિષ્ણાત ટીમ તમને ‘પીડિયાટ્રિક ન્યુરોસર્જન’ (બાળકોના મગજ અને કરોડરજ્જુના સર્જન) સાથે મુલાકાત માટે કહી શકે છે, જેઓ આ ખામી ધરાવતા નવજાત શિશુઓ અને બાળકોના ઓપરેશન કરવામાં નિષ્ણાતછે. તેઓ તમારા બાળકને કરોડરજ્જુની ખામી બંધ કરવા માટે કયા પ્રકારના ઓપરેશન અથવા અન્ય સારવારની જરૂર પડી શકે છે, તે વિશે વિગતવાર સમજાવી શકશે.

કેટલાક કિસ્સાઓમાં, જ્યારે બાળક હજુ ગર્ભમાં હોય ત્યારે જ ખુલ્લી કરોડરજ્જુની ખામીને સર્જરી દ્વારા બંધ કરી શકાય છે. આને ‘ફેટલ સર્જરી’ કહેવામાં આવે છે. તમારી સંભાળ રાખતી નિષ્ણાતોની ટીમ તમારી સાથે ચર્ચા કરશે કે શું આ સર્જરી તમારા માટે એક વિકલ્પ હોઈ શકે છે.

લાંબા ગાળાનું આરોગ્ય

ખુલ્લી કરોડરજ્જુની ખામી ધરાવતા બાળકોનું લાંબા ગાળાનું સ્વાસ્થ્ય નીચેની બાબતો પર આધાર રાખે છે:

  • કરોડરજ્જુની આ ખામીનું કદ અને તેનું સ્થાન
  • કરોડરજ્જુ અને નસોને નુકસાન થયું છે કે નહીં, અને જો થયું હોય, તો તે કેટલું ગંભીર છે

તે બાળકમાં હાઇડ્રોસેફાલસ થાય છે કે નહીં તેના પર પણ આધાર રાખે છે, જે ખુલ્લી કરોડરજ્જુની ખામીને કારણે બાળકના મગજમાં પ્રવાહીનું સંચય છે.  કરોડરજ્જુની ખામી સાથે જન્મેલા ઘણા બાળકોમાં હાઇડ્રોસેફાલસ પહેલેથી હોય છે અથવા જન્મ પછી વિકસે છે.

ખુલ્લી કરોડરજ્જુની ખામી ધરાવતા બાળકોને અવારનવાર પેશાબ અને શૌચક્રિયા પર નિયંત્રણ રાખવામાં મુશ્કેલી પડે છે. વધુ ગંભીર કિસ્સાઓમાં, બાળકને ચાલવામાં મુશ્કેલી પડી શકે છે અથવા તે ચાલી શકતા નથી.. કરોડરજ્જુની ખામી અને હાઈડ્રોસેફાલસના કારણે બાળકની શીખવાની ક્ષમતામાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. બંધ કરોડરજ્જુની ખામી ધરાવતા બાળકોનું મૂત્રાશય બરાબર કામ કરે છે કે નહીં, તે તપાસવાની જરૂર પડી શકે છે અને ભવિષ્યમાં ઓપરેશનની પણ જરૂર પડી શકે છે.

આગળનાં પગલાં અને પસંદગીઓ

તમારી ગર્ભાવસ્થા દરમિયાન તમારી સંભાળ રાખતી સંભાળ ટીમ સાથે તમે બાળકની કરોડરજ્જુની ખામી અને તે માટેના સારવારના વિકલ્પો વિશે વિગતવાર વાત કરી શકો છો. આ વિકલ્પોમાં ગર્ભાવસ્થા ચાલુ રાખવી અથવા ગર્ભપાત કરાવવાનો સમાવેશ થઈ શકે છે. તમને કરોડરજ્જુની ખામી વિશે વધારે જાણવાની ઈચ્છા થઈ શકે. આ પરિસ્થિતિમાં માતાપિતાને મદદ કરવાના અનુભવ સાથે સપોર્ટ સંસ્થા સાથે વાત કરવી મદદરૂપ થઈ શકે.

જો તમે તમારી ગર્ભાવસ્થા ચાલુ રાખવાનું નક્કી કરો છો, તો નિષ્ણાત ટીમ તમને મદદ કરશે:

  • તમારી સંભાળ અને તમારા બાળકના જન્મની યોજના કરવામાં
  • તમારા બાળકને ઘરે લઈ જવા માટે તૈયાર કરશે

જો તમે તમારી ગર્ભાવસ્થાનો અંત લાવવાનો નિર્ણય લો તો, તમને આમાં શું સમાવિષ્ટ હોય અને તમને કેવી રીતે ટેકો આપવામાં આવશે તે વિષેની માહિતી આપવામાં આવશે. તમને તમારી ગર્ભાવસ્થાનો અંત ક્યાં અને કેવી રીતે લાવવો તેની પસંદગીની ઓફર કરી અને તમને અને તમારા પરિવાર માટે વ્યક્તિગત ટેકો આપવો જોઈએ.

ફક્ત તમે જ જાણો કે તમારા અને તમારા પરિવાર માટે શ્રેષ્ઠ નિર્ણય શું છે. તમે જે પણ નિર્ણય લેશો, તમારા આરોગ્યસંભાળ વ્યાવસાયિકો તમને ટેકો આપશે.

ભવિષ્યની ગર્ભાવસ્થાઓ

ભવિષ્યમાં થનારી ગર્ભાવસ્થામાં આ ખામી ફરીથી થવાની શક્યતા નહિવત હોય છે. જોકે, જો તમને અગાઉ કરોડરજ્જુની ખામી ધરાવતું બાળક આવ્યું હોય, તો પછીના બાળકમાં પણ આ ખામી આવવાની શક્યતા 4% (100 માંથી 4) જેટલી ઓછી રહેલી છે.

જો બાળકમાં રહેલી કરોડરજ્જુની ખામી કોઈ આનુવંશિક કારણોસર હોય, તો પછીના બાળકમાં પણ આ ખામી આવવાની શક્યતા વધી શકે છે, જે 25% (100 માંથી 25) જેટલી હોઈ શકે છે. જો આવું હોય, તો ભવિષ્યની ગર્ભાવસ્થા વિશેચર્ચા કરવા માટે તમને ‘જિનેટિક કાઉન્સેલર’ પાસે મોકલવામાં આવી શકે છે.

કરોડરજ્જુની ખામી અને તમારા લોહીમાં ફોલેટ (ફોલિક એસિડ) ના નીચા સ્તર વચ્ચે સંભવિત જોડાણ છે. જો તમે ભવિષ્યમાં ફરી ગર્ભધારણનું આયોજન કરી રહ્યા હોવ, તો એવી મહિલાઓ કે જેમને અગાઉની ગર્ભાવસ્થામાં કરોડરજ્જુની ખામીની અસર જોવા મળી હોય, તેમને ગર્ભધારણ કરતા પહેલા અને ગર્ભાવસ્થાના 12 અઠવાડિયા સુધી ફોલિક એસિડનો ઉચ્ચ ડોઝ ((સામાન્ય 0.4 મિલિગ્રામ પ્રતિ દિવસને બદલે 5 મિલિગ્રામ પ્રતિ દિવસ) લેવાની સલાહ આપવામાં આવે છે.

વધારે માહિતી

 પ્રસૂતિ પૂર્વેના પરિણામો અને પસંદગીઓ (ARC) એ એક રાષ્ટ્રીય સખાવતી સંસ્થા છે જે લોકોને સ્ક્રીનીંગ અને નિદાન વિષે નિર્ણયો લેવા અને ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે નહિ તેમાં સપોર્ટ કરે છે.

NHS.UK પાસે શું કરવું અને ક્યારે મદદ મેળવવી તે સહિતની સ્થિતિઓ, લક્ષણો અને સારવારો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા હોય છે.

શાઇન એક રાષ્ટ્રીય સખાવતી સંસ્થા છે જે ઇંગ્લેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડમાં સ્પાઇના બિફિડા વિશે નિષ્ણાત સલાહ અને મદદ આપે છે.

એવા માતાપિતા માટે માહિતી કે જેઓને  કોરિઓનિક વિલસ સેમ્પલિંગ  (CVS) અથવા એમ્નિઓસેન્ટેસિસ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઓફર કરવામાં આવે છે.

 NHS ઈંગ્લેન્ડ તમારી સ્ક્રીનીંગ માહિતીનો કેવી રીતે ઉપયોગ અને રક્ષણ કરે છે તે જાણો.

શોધી કાઢોસ્ક્રીનીંગની કેવી રીતે નાપસંદગી કરવી