આંતરડાના કેન્સરની તપાસ: CT કોલોનોગ્રાફી (CTC) સ્કૅન કરાવવું (Gujarati)
અપડેટ થયેલ 5 November 2026
Applies to England
આ માહિતી તમને NHS હેઠળ આંતરડાના કેન્સરની તપાસના ભાગરૂપે CTC સ્કૅન કરાવવા વિશે જણાવે છે. તમારો સ્થાનિક એક્સ-રે વિભાગ તમને વધુ વિગતવાર માહિતી આપશે.
CTC
CT કોલોનોગ્રાફી એ મોટા આંતરડા (કોલોન)ને જોવા માટે કરવામાં આવતી કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) તપાસ છે. આંતરડાનું કેન્સર પ્રારંભિક તબક્કામાં હોય ત્યારે તેનું નિદાન કરવાની આ એક પદ્ધતિ છે.
CT મશીન વિગતવાર ચિત્રો બનાવવા માટે એક્સ-રે અને અદ્યતન કમ્પ્યુટરોનો ઉપયોગ કરે છે. ત્યારબાદ અમે તમારા આંતરડાનું સ્વાસ્થ્ય તપાસવા માટે આ ચિત્રોની તપાસ કરીએ છીએ.
અમે તમને CTC સ્કૅન કરાવવાનો વિકલ્પ શા માટે આપ્યો છે
અમે નીચેના 2 કારણોમાંથી કોઈ એક કારણસર તમને CTC સ્કૅન કરાવવાનો વિકલ્પ આપ્યો છે. તેનું કારણ એ છે કે:
- તમારી કોલોનોસ્કોપી કરવામાં આવી હતી, પરંતુ અમે તમારા મોટા આંતરડાને તેની સમગ્ર લંબાઈ સુધી જોઈ શક્યા નહોતા, અથવા
- તમને જણાવવામાં આવ્યું હતું કે કોલોનોસ્કોપી તમારા માટે યોગ્ય નથી
તમારા CTC સ્કૅન પહેલાં
અમે સારી ગુણવત્તાનાં ચિત્રો લઈ શકીએ તે માટે તમારું આંતરડું યોગ્ય રીતે તૈયાર થયેલું હોવું ખૂબ જ જરૂરી છે.
તમે સ્કૅન માટે આવો તે પહેલાં અમે તમને કયા ખોરાક ન લેવા તેની યાદી અને આંતરડું સાફ કરીને તૈયાર કરવા માટેની દવા મોકલીશું. કૃપા કરીને તમને આપવામાં આવેલી સૂચનાઓનું ખૂબ જ કાળજીપૂર્વક પાલન કરો.
જો તમને ડાયાબિટીસ હોય, તો કૃપા કરીને તમારી તપાસની તારીખના ઓછામાં ઓછા 3 દિવસ પહેલાં એક્સ-રે વિભાગનો સંપર્ક કરો, કારણ કે તમને આહાર અંગે અલગ સૂચનાઓની જરૂર પડી શકે છે.
સ્કૅન દરમિયાન
કર્મચારીઓ તમારી સંભાળ રાખશે. તેઓ તમને પ્રક્રિયા સમજાવશે અને તમારાં કપડાં બદલીને હોસ્પિટલનો ઝભ્ભો પહેરવા કહેશે.
અમે તમારા હાથની નસમાં એક નાની કેન્યુલા (સોય) મૂકી શકીએ છીએ. કોઈ કર્મચારી તમને સ્કૅનરના ટેબલ પર સૂવામાં મદદ કરશે અને પડખું ફેરવવા કહેશે.
તમારા ગુદામાર્ગમાં હળવેથી એક પાતળી, વાળી શકાય તેવી નળી દાખલ કરવામાં આવશે. તમારા મોટા આંતરડાને ધીમેથી ફુલાવવા માટે આ નળીમાંથી થોડો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવશે. ત્યારબાદ તમારા આંતરડાને ફૂલેલું રાખવા માટે જરૂર મુજબ વધુ વાયુ દાખલ કરવામાં આવશે. કોઈપણ અગવડતા ઘટાડવા માટે અમે કેન્યુલા દ્વારા તમને સ્નાયુઓને ઢીલા પાડવાની દવા આપી શકીએ છીએ.
સ્કૅન કરનાર નિષ્ણાત તમને પ્રથમ સ્કૅન માટે યોગ્ય સ્થિતિમાં સૂવામાં મદદ કરશે. સ્કૅન કરનાર કર્મચારીઓ થોડા સમય માટે ખંડની બહાર જશે, પરંતુ તેઓ સ્કૅનરના ખંડની બારીમાંથી તમારા પર ધ્યાનપૂર્વક નજર રાખશે. તમે ઇન્ટરકોમ દ્વારા તેમની સાથે વાત કરી શકશો. સ્કૅન શરૂ થાય ત્યારે તમને થોડી સેકંડ માટે શ્વાસ રોકી રાખવા કહેવામાં આવશે અને તમને સ્કૅનરનું ટેબલ ધીમે ધીમે ખસતું હોય તેવું લાગશે.
ત્યારબાદ સ્કૅન કરનાર નિષ્ણાત તમને શરીરની સ્થિતિ બદલવા કહેશે (તમારે પેટના બળે અથવા પડખે સૂવાનું હોઈ શકે છે) અને ફરીથી સ્કૅન કરશે. ત્યારબાદ તેઓ ચિત્રોની ગુણવત્તા તપાસશે. ક્યારેક, સ્પષ્ટ રીતે દેખાયો ન હોય તેવા ભાગને વધુ સારી રીતે જોવા માટે અમારે વધારાનાં સ્કૅન કરવાની જરૂર પડી શકે છે. સ્કૅનમાં વધુ વિગતો સ્પષ્ટ દેખાય તે માટે અમે એક્સ-રે દરમિયાન કેન્યુલા દ્વારા રંગદ્રવ્ય (જેને ‘કોન્ટ્રાસ્ટ એજન્ટ’ કહે છે) આપી શકીએ છીએ.
સ્કૅનના અંતે અમે તમારા ગુદામાર્ગમાંથી હળવેથી નળી કાઢી લઈશું અને કપડાં પહેરતાં પહેલાં તમને શૌચાલયમાં જવા કહીશું. સમગ્ર તપાસમાં 30 મિનિટથી વધુ સમય લાગતો નથી. તમે દિવસના બાકીના સમય માટે ઘરે આરામ કરવાનું પસંદ કરી શકો છો, જોકે મોટાભાગના લોકો તેમની સામાન્ય રોજિંદી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકે છે.
તમારા સ્કૅનનાં પરિણામો
એક નિષ્ણાત તમારા સ્કૅનની સમીક્ષા કરશે અને તમારા નિષ્ણાત ડૉક્ટર અથવા તપાસ કરનાર નિષ્ણાત આરોગ્યકર્મીને અહેવાલ મોકલશે. ત્યારબાદ પરિણામોની ચર્ચા કરવા માટે તમારી મુલાકાત ગોઠવવામાં આવશે.
CTCનાં જોખમો
વિકિરણનું પ્રમાણ
CTC તપાસમાં ચિત્રો બનાવવા માટે એક્સ-રેનો ઉપયોગ કરવામાં આવે છે. તબીબી હેતુઓ માટે વપરાતાં વિકિરણોથી સ્વાસ્થ્યને ખૂબ જ નાનું જોખમ રહે છે.
CTC સ્કૅન દરમિયાન તમને મળતાં વિકિરણોનું પ્રમાણ આશરે એટલું જ હોય છે જેટલું થોડાં વર્ષોમાં તમારી આસપાસના વાતાવરણમાંથી કુદરતી રીતે મળતાં વિકિરણોનું હોય છે. આનાથી થતું જોખમ ઓછું હોવાનું માનવામાં આવે છે. CT વિભાગ વિકિરણના પ્રમાણનું ખૂબ જ કાળજીપૂર્વક નિરીક્ષણ કરે છે અને સારી ગુણવત્તાનાં ચિત્રો મેળવવા માટે જરૂરી હોય તેટલા ઓછામાં ઓછા પ્રમાણમાં જ વિકિરણનો ઉપયોગ કરે છે.
થઈ શકે તેવી આડઅસરો
હળવી આડઅસરોમાં નીચેની બાબતોનો સમાવેશ થઈ શકે છે:
- આંતરડું સાફ કરીને તૈયાર કરવાની દવાને કારણે શરીરમાં પાણીની ઊણપ થવી – તમારે સ્કૅન પહેલાં અને પછી પુષ્કળ પ્રવાહી પીવાની જરૂર પડશે
- સ્નાયુઓને ઢીલા પાડવાની દવાના ઇન્જેક્શનને કારણે (જો આપવામાં આવે તો) મોં સુકાવું અને ઝાંખું દેખાવું – આ અસર 30 મિનિટની અંદર દૂર થઈ જવી જોઈએ, પરંતુ તમારી દૃષ્ટિ સામાન્ય ન થાય ત્યાં સુધી કૃપા કરીને વાહન ચલાવશો નહીં
- રંગદ્રવ્યના ઇન્જેક્શનને કારણે (એક્સ-રે માટેનું રંગદ્રવ્ય, જો આપવામાં આવે તો) ગરમાવો અનુભવવો અને ક્યારેક મોંમાં ધાતુ જેવો વિચિત્ર સ્વાદ આવવો, સાથે થોડી ક્ષણો માટે પેશાબ થઈ ગયો હોય તેવું લાગવું
- આંતરડાને ફુલાવવા માટે વપરાતા વાયુને કારણે પ્રક્રિયા દરમિયાન અને પછી પેટ ફૂલવું – તમે શૌચાલયમાં જઈને વાયુ છોડો પછી આ અસર જલદી દૂર થઈ જાય છે
- ઇન્જેક્શન આપ્યું હોય તે જગ્યાએ ચામડીની નીચે લોહી જમા થવું (નીલ પડવું)
ભાગ્યે જ થતી જટિલતાઓ
વધુ ગંભીર જટિલતાઓ ભાગ્યે જ થાય છે, પરંતુ સ્કૅન કરનાર કર્મચારીઓ તેનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર હોય છે.
તમને ઘરે મોકલતાં પહેલાં તેઓ ખાતરી કરશે કે તમને નીચેની કોઈ સમસ્યા નથી:
- સ્નાયુઓને ઢીલા પાડવાની દવાનું ઇન્જેક્શન આપ્યા પછી (જો આપવામાં આવે તો) બેભાન થઈ જવા જેવું લાગવું
- પેટમાં તીવ્ર દુખાવો થવો
- આંતરડામાં છિદ્ર પડવું (આંતરડાની દીવાલમાં નાનું કાણું પડવું)
- સ્નાયુઓને ઢીલા પાડવાની દવાને કારણે (જો આપવામાં આવે તો) આંખમાં દુખાવો થવો – આવું ભાગ્યે જ થાય છે, પરંતુ જો થાય તો આંખની તાત્કાલિક તપાસ માટે તમારે હોસ્પિટલના કટોકટી વિભાગમાં જવાની જરૂર છે
જો તમને વધુ તપાસ અથવા સારવારની જરૂર હોય
તમારા CTC સ્કૅન પછી તમને અન્ય તપાસો માટે બોલાવવામાં આવી શકે છે. આ અંગે તમારી તપાસ કરનાર નિષ્ણાત આરોગ્યકર્મી (નર્સ) અથવા તમારા નિષ્ણાત ડૉક્ટર સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. જો સારવારની જરૂર હોય, તો તમે નિષ્ણાતોની ટીમ સાથે તે અંગે ચર્ચા કરી શકશો.
કેન્સર અને મોટા પોલિપ (આંતરડાની અંદરની સપાટી પર વધેલી પેશી) શોધવામાં CTC સ્કૅન સામાન્ય રીતે સચોટ હોય છે, પરંતુ કોઈપણ તપાસ સંપૂર્ણપણે અસરકારક હોતી નથી અને CTCમાં કેન્સર અથવા આગળ જતાં કેન્સરમાં ફેરવાઈ શકે તેવો પોલિપ ધ્યાનમાં ન આવે તેવી થોડી શક્યતા રહે છે.
સારાંશ
તમારે CTC સ્કૅન કરાવવું છે કે નહીં તે નક્કી કરવામાં મદદરૂપ થવા માટે, તેના સંભવિત લાભો અને જોખમો અહીં ટૂંકમાં આપ્યાં છે. CT સ્કૅન:
- કેન્સર અને પોલિપને પ્રારંભિક તબક્કામાં શોધી શકે છે, જેથી સારવાર સફળ થવાની અને જીવિત રહેવાની તમારી શક્યતાઓ વધે છે
- સામાન્ય રીતે કોલોનોસ્કોપી કરતાં શરીરની અંદર સાધનો દાખલ કરવાની ઓછી જરૂર પડતી તપાસ માનવામાં આવે છે
- તેની કેટલીક સામાન્ય, હળવી આડઅસરો હોય છે અને આંતરડામાં છિદ્ર પડવા જેવાં કેટલાંક ખૂબ જ દુર્લભ પરંતુ વધુ ગંભીર જોખમો પણ હોય છે
- તેમાં શરીર વિકિરણના સંપર્કમાં આવે છે, પરંતુ આનાથી થતું જોખમ ખૂબ જ ઓછું હોય છે
- તેમાં કોઈ પોલિપ અથવા કેન્સર ધ્યાનમાં ન આવે એવું બની શકે છે (કોલોનોસ્કોપીની જેમ જ)
આંતરડામાં છિદ્ર પડવું ખૂબ જ દુર્લભ છે અને તે માત્ર આશરે દર 3,000 કિસ્સામાંથી એકમાં થાય છે.
મોટાભાગનાં છિદ્રો સારવાર વિના જ રૂઝાઈ જાય છે, જોકે એક રાત હોસ્પિટલમાં રહેવાની અને એન્ટિબાયોટિક દવાઓ લેવાની સલાહ આપવામાં આવી શકે છે.
આ માહિતી વિશે
NHSના તપાસ કાર્યક્રમો તમને યોગ્ય સમયે તપાસ માટે આમંત્રણ આપવા માટે તમારી NHS નોંધોમાંની વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરે છે. તમને ઉચ્ચ ગુણવત્તાની સંભાળ મળે તેની ખાતરી કરવા અને તપાસ કાર્યક્રમોમાં સુધારો કરવા માટે NHS England પણ તમારી માહિતીનો ઉપયોગ કરે છે. તમે તમારી માહિતીનો ઉપયોગ અને તેની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે છે તથા તમારા વિકલ્પો વિશે વધુ જાણી શકો છો. તપાસમાં ભાગ ન લેવાનું કેવી રીતે પસંદ કરવું તે જાણો.
તમે Open Government Licence v3.0ની શરતો હેઠળ આ માહિતીનો (લોગો સિવાય) કોઈપણ સ્વરૂપમાં કે માધ્યમમાં નિઃશુલ્ક ફરીથી ઉપયોગ કરી શકો છો. જ્યાં અમે તૃતીય પક્ષની કૉપિરાઇટ ધરાવતી કોઈ માહિતી દર્શાવી હોય, ત્યાં તમારે સંબંધિત કૉપિરાઇટ ધારકોની પરવાનગી મેળવવી પડશે.