પ્રચાર સામગ્રી

તમે હોસ્પિટલ છોડીને સંભાળ માટેના બીજા કોઈ સ્થળે જઈ રહ્યાં છો

અપડેટ થયેલ 10 August 2022

આ પત્રિકા સમજાવે છે કે તમે શા માટે હોસ્પિટલમાંથી નીકળી રહ્યાં છો અને ત્યાંથી નીકળ્યા પછી તમે શું અપેક્ષા રાખી શકો.

હું શા માટે હોસ્પિટલમાંથી નીકળી રહ્યો/રહી છું?

તમારી સંભાળ રાખતી ટુકડીએ નક્કી કર્યું છે કે તમને હવે હોસ્પિટલની સંભાળની જરૂરત નથી અને સાજાં થવાનું ચાલુ રાખવા માટે સંભાળના બીજા સ્થળે જવાનું તમારા માટે સલામત છે.

હું હોસ્પિટલમાં શા માટે ન રહી શકું?

તમને જ્યારે હોસ્પિટલની સંભાળની જરૂરત ન રહે, તો હોસ્પિટલની બહાર રહીને સાજાં થવાનું વધુ સારું છે. જરૂર કરતાં લાંબો સમય હોસ્પિટલમાં રહેવાથી તમારી સ્વતંત્રતા ઓછી થઈ જાય, તમારા સ્નાયુઓની શક્તિ જતી રહે અથવા ઈન્ફેક્શનો લાગવાનો ભય રહે એવું બની શકે. તમે તૈયાર હો ત્યારે હોસ્પિટલ છોડીને જવાનું તમારા માટે સર્વોત્તમ છે એટલું જ નહિ પરંતુ તેનાથી જેમની તબિયત ખૂબ જ ખરાબ હોય તેમના માટે એક ખાટલો પણ ઉપલબ્ધ થઈ શકે છે.

અમારી અગ્રતા એ ખાતરી કરવાની છે કે સંભવિતપણે સર્વોત્તમ રીતે સાજાં થવા માટે તમે યોગ્ય સમયે યોગ્ય સ્થળે હો. તમારા માટે હાલમાં સર્વોત્તમ સ્થળ સમાજમાં અન્ય સ્થળે ગોઠવવામાં આવેલ ખાટલો છે, જે આ સમયે તમારી જરૂરતો સૌથી સારી રીતે પૂરી કરી શકે તેમ છે. જો તમે કેર હોમનાં રહેવાસી હશો તો આ તમારું કેર હોમ હોવાની શક્યતા સૌથી વધારે છે.

હું શું અપેક્ષા રાખી શકું છું?

તમારી સંભાળ રાખનારી ટુકડી તમારી સાથે (અને તમે ઈચ્છશો તો તમારાં કેરરો, કુટુંબીજનો અને/અથવા મિત્રો સાથે) વાહનની સગવડ તેમજ અન્ય ગોઠવણો વિશે વાતચીત કરશે. જો તમને કોરોનાવાઈરસ (કોવિડ-19) હશે તો તમને તેને લગતી સલાહ આપવામાં આવશે.

તમે હોસ્પિટલમાં આવ્યા તેના કરતાં જો અત્યારે તમને વધારે સંભાળ અને સહાય જરૂર પડતી હશે, તો ડિસ્ચાર્જ થયા પછી તમને આ સંભાળ અને સહાય કેવી રીતે મળશે તેના વિકલ્પોની તમારી સંભાળ રાખતી ટુકડી તમારી સાથે ચર્ચા કરશે. લાંબા સમયની કોઈ સંભાળ અને સહાયની જોગવાઈઓ માટે તમારી ક્યારે આકારણી કરવામાં આવવી જોઈએ તેની પણ આ ટુકડી ચર્ચા કરશે. જો તમને જરૂર હશે તો તમારી સંભાળ અને સહાયના ખર્ચ પ્રતિ તમારે કદાચ યોગદાન આપવાની જરૂર પડશે.